નાઈટિંગેલ-સાગર હૈયે વડવાનલ- સ્ટીમરમાં ખેલતા ખૂની ખેલની હોરર સસ્પેન્સ કથા.
આ નવલકથાના લેખક બકુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે 1978માં લખી હતી. જે હમણાં પ્રકાશિત થઈ. તે સમયે જો આ નવલકથા પ્રકાશિત થઈ હોત, તો અત્યાર સુધીમાં તે ખૂબ વંચાઈ હોત, ઈનામ અકરામોથી પોંખાઈ હોત અને હજારો વાચકોએ વાંચી પણ હોત. ખેર, તે સમયના તેમના પ્રતિકૂળ સંજોગોના લીધે પ્રકાશિત થઈ શકી ન હતી. હમણાં તે પ્રકાશિત થઈ છે, તે પણ ગૌરવની વાત છે. આ નવલકથાનું જમા પાસું તેની રોચક વાર્તા છે. 1978ના સમયની વાર્તા ચુંવાલીસ વર્ષ પછી પણ એટલી જ તાજી લાગે છે. આજના વાચકોને પણ તે ગમશે જ, એવી મને ખાતરી છે.
બહુ વર્ષો પહેલાં આવી સાહસિક દરિયા ખેડુની સાહસ કથાઓ લખાતી હતી. ‘ગુણવંતરાય આચાર્ય’ની સાગર કથાઓ ખૂબ વિખ્યાત હતી. આ નવલકથા વાંચતાં મને 1970નો એ સમય યાદ આવી ગયો, જે દિવસોમાં સ્કૂલ, કોલેજની લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો લાવીને હું વાંચતો હતો.
આ નવલકથામાં લેખકે 1964ના સમયગાળાની કથા આલેખી છે. ‘નાઇટિંગેલ’ સ્ટીમરનું નામ છે. પહેલાં જ પ્રકરણથી આ સ્ટીમર ઉપર ખોફનાક ઘટના આકાર લે છે. પીળા લાકડા જેવો ચહેરો અને પંજામાં ઉગેલા દંતશૂળવાળા પીળા શયતાનનો ભયાવહ અને જુગુપ્સાપ્રેરક ચિતાર આબાદ ઉપસ્યો છે. પહેલા જ પ્રકરણથી વાચકને ખોફના ભરડામાં લેવાની શૈલી લેખકને હસ્તગત છે. તે જમાનાના સ્ટીમરનું બારીકાઈથી કરેલું વર્ણન અને દરિયાનો પરિવેશને અદ્ભુત છે. જહાજની રચના, તેના મશીનો અને ભૌગોલિક પરિસ્થિતીઓનો, લેખકે કરેલો અભ્યાસ દેખાઈ આવે છે.
લેખકે ઊભાં કરેલાં પાત્રો, કેપ્ટન સુદર્શનસિંઘ, યશપાલ, ટાઈપિસ્ટ જાન્હવી, કમલ જાસૂસ, હાઈગેન્સ મેયર ઉર્ફે દીવાન, ડોક્ટર ધનરાજ, નેન્સી, મંગલ, અબ્દુલ, મનાકાકા વગેરેનું ચરિત્ર ચિત્રણ આબેહૂબ થયું છે. આ દરેક પાત્રો વાચકને બાંધી રાખે છે. આ ઉપરાંત લેખકે દરેક પ્રકરણમાં પોતાની ફિલોસોફી રજૂ કરી છે. જે બોલ્ડ અક્ષરોમાં છાપી હોવાથી તે વાચકનું ધ્યાન ખેંચે છે.
નવલકથામાં બે વાર્તાઓ સમાંતરે ચાલે છે. એક પીળા શયતાનની ભયાનક વાર્તા કે, જે નિર્દોષ લોકોનાં ખૂન કરીને તેમનું લોહી પીએ છે અને સ્ત્રીઓ પર બળાત્કાર કરીને બીભત્સ રીતે તેમનું ખૂન કરે છે. બીજી વાર્તા ભારત સરકારનાં કીમતી મશીનો સ્ટીમરમાં છે, જેની ખબર અમુક લોકોને જ હોય છે. મશીનોની ચોરી કરવા માટે એક મિસ્ટર Zની ગેંગ સક્રિય છે. આ બંને વાર્તાઓ એટલી રસપ્રદ છે કે, વાચકને વાંચવાનો જલસો પડી જાય છે.
આ નવલકથા એક ‘સાયકોમેડિકલ’ થ્રીલર છે. લેખકે અત્યારે પણ અછૂતા રહેલા આ વિષય ઉપર, તે જમાનમાં નવલકથા લખવાની હિમ્મત કરી છે, જે કાબિલે તારીફ છે. નવલકથાના અંતમાં લેખકે પીળા શયતાનનું રહસ્ય ખોલ્યું છે. શયતાનને જસ્ટિફાય કરવા તેમણે જે તર્ક મૂક્યો છે, તે વાચકના ગળે ઉતારી જાય તેવો સરળ છે. જોકે સાઇકોલોજીકલ કારણોસર આટલી હદે વ્યક્તિમાં શારીરિક ફેરફારો થાય, તે માન્યામાં આવતું નથી. વળી આવી કોઈ ઘટના હજૂસુધી બન્યાનું સાંભળ્યું પણ નથી. જોકે, ફિક્ષન કથામાં લેખક પોતાનો તર્ક અને કલ્પનાઓનો ઉપયોગ કરવા સ્વતંત્ર છે અને તેમાં તેઓ સફળ પણ થયા છે.
સરવાળે આ નવલકથા દરેક વાચકને નિરાશ નહીં કરે. તેની શૈલી, માવજત, કલ્પના, માહિતી, અતરંગી પાત્રો અને પીળો શયતાન વાંચતીવેળા તમારા મસ્તકનો કબજો લઈ લે તો નવાઈ નહીં. તેના બીજા ભાગની ઇંતેજારી રહેશે.
$$$
-મનહર ઓઝા
Date-17-06-2022
Mobile- 97123 88433
Nightingale – Part-1
લેખક – બકુલ ધ. ભટ્ટ
પ્રકાશક – શોપિઝન પબ્લિકેશન
કિંમત – 314-00 રૂપિયા
નાઈટિંગેલ-સાગર હૈયે વડવાનલ- સ્ટીમરમાં ખેલતા ખૂની ખેલની હોરર સસ્પેન્સ કથા.
આ નવલકથાના લેખક બકુલ ભટ્ટના જણાવ્યા પ્રમાણે તેમણે 1978માં લખી હતી. જે હમણાં પ્રકાશિત થઈ. તે સમયે જો આ નવલકથા પ્રકાશિત થઈ હોત, તો અત્યાર સુધીમાં તે ખૂબ વંચાઈ...Read more