માનવમનના ભાવોનું જાળું મગજના ન્યૂરોન્સને આભારી કે મગજના ન્યૂરોન્સની ગુણવત્તા માનવમનના ભાવોની તીવ્રતાને આભારી? - આ એક ચર્ચાનો વિષય બની શકે તેવો પ્રશ્ન છે. મારાં માટે આ પ્રશ્ન કથા લખતી વખતે મનમાં ઘણો ઘુમરાયો હતો. વાચકોને પણ કથા વાંચતા પહેલાં આ પ્રશ્ન વિશે થોડું મનોમંથન કરવા વિનંતી છે. *** ઉત્ક્રાંતિની લાંબી સફરમાં સાધનો ભલે ધીમે વિકસ્યાં હશે પરંતુ માનવમનની લાગણી કે ભાવજગતને વાર નહીં લાગી હોય. કદાચ એટલે જ તો ટાંચા સાધનોથી કામ ચલાવતાં આદિ કબીલાઓમાં પણ રિવાજ, નીતિ, પધ્ધતિ, લગ્ન કે પરિવારની વ્યવસ્થા, નેતાપણું, શણગાર, ગીત વગેરે અર્થાત્ ટૂંકમાં સંસ્કૃતિ તો સમૃધ્ધ જ હશે. જેની સાબિતી માનવસભ્યતામાં પાછળ રહી ગયેલાં અંતરિયાળ વિસ્તારના કે અલગ રહેવા દેવાયેલાં આદિજૂથોના અભ્યાસથી અર્વાચીન સમયમાં આપણને મળેલ છે. જૂના અવશેષો અને અર્વાચીન સમયમાં ઉપલબ્ધ આદિજાતિઓના સમૂહોના અભ્યાસથી મળેલ માહિતીથી આવાં જૂથોના હજારો વર્ષો જૂના કે અર્વાચીન છતાં મુખ્યધારાથી અલિપ્ત સમૂહોની સંસ્કૃતિ, જીવનચર્યા, ક્રિયાકલાપો વગેરે અંગે સંપૂર્ણ માહિતી આપણી પાસે નહીં જ હોય. આ નવલકથા લખવા માટે આજદિન સુધી મારાં ધ્યાને આવેલી આ વિષયને લગતી માહિતીનો ઉપયોગ કરેલ છે. આ માહિતીના સહારે ભલે કાલ્પનિક પણ શક્ય એટલી તાર્કિક કથા આપવાની ઇચ્છાના પ્રભાવે આ પ્રયાસ કરેલ છે. કથામાં દર્શાવેલ અમુક ક્રિયાઓ મેં વ્યક્તિગત રીતે ચકાસેલ કે અનુભવેલ છે જ્યારે અમુક કલ્પેલી છે. કથામાં આપને ક્યારેક લાંબું વર્ણન અને ઓછાં ઘટનાક્રમ - તો ક્યારેક ટૂંકું વર્ણન અને સટાસટ ચાલતાં ઘટનાક્રમોનો પણ અનુભવ થશે. જેની પાછળના હેતુઓ અંગે કહું તો ભૌગોલિક દૃશ્ય અને સ્રોતની ઉપલબ્ધતાનો આબેહૂબ ચિતાર, માનવમનની સ્થિતિનો આબેહૂબ ચિતાર વગેરે માટે લાંબાં વર્ણનો જરૂરી હોય છે. નવલકથામાં જે તે સંસ્કૃતિના સમયગાળાની મર્યાદા ધ્યાને રાખતાં કથાની માંગ મુજબ અમુક બાબતોનું ધ્યાન રાખેલ છે. જે આપોઆપ એક પ્રયોગ બની રહેલ છે.