છડેચોક માત્ર સ્ત્રી નહીં, પણ પુરુષ વર્ગમાં પણ જેની ભાગ્યેજ ચર્ચા થતી હોય એવા મુખ્યધારાથી ફંટાતા વિષય પર ડર સાથે કશુંકના લખવાના ઈરાદા પર મારી જીત થઇ. પડકારનું એક નવું પરિમાણ પાર કર્યું. મારી અપેક્ષા કરતાં અનેકગણી ચડીયાતી સાબિત થઇ આ નવલકથા. મારા શબ્દો નહીં પણ સોશિયલ મીડિયામાં આંકડા આ વાતનો પુરાવો છે. મારી દૃષ્ટિએ કોઈપણ ક્ષેત્રનો સર્જક તેના સર્જન માટે એટલો સભાન હોવો જોઈએ કે, તેનો કોઈપણ ચાહક, વિવેચક કે આલોચક તેને હંમેશાં એક ટીપીકલ બંધબેસતા ચોકઠામાં ફીટ કરવાની ભૂલ, ભૂલથી પણ ક્યારેય ન કરે. જ્યાં સુધી કોઈ સર્જક સતત તેના સર્જનના વૈવિધ્યપણા માટે સતર્ક નહીં હોય ત્યાં સુધી તેનું સર્જન સોળે કળાએ ક્યારેય નહીં ખીલે. એકાદ બે દાયકાથી શતરંજની રમતને પણ આંટી મારે એવી રાજરમત રમીને ઘરના ભૂવા અને ઘરના ડાકલાં જેવી મામા-માસીના સરકારી કે ગૈર સરકારી સંસ્થાની ચપરાસીથી વધુ ચાપલુસી કરી, સ્વને સાહિત્ય જગતના સર્વોપરી સમજતાં આંગળીને વેઢે ગણાય એવા લેખકોએ પેઈડ એવોર્ડથી તેના ડ્રોઈંગરૂમ શણગારવાના અભરખા સાથે તેની અતિ અંહકારી વાણી સાંભળું ત્યારે... થોડો સમય પહેલાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલાં એક પ્રશ્ન સામે તેમનો પ્રત્યુતર સાંભળીને આ બિલાડીના ટોપ જેવા શત્ત પ્રતિશત પ્રોફેશનલ સાહિત્યકારોના આર્ટીફિશિયલ દબદબા પર દયા આવે. અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું હતું કે, ‘આપની સર્વશ્રેષ્ઠ ફિલ્મ કઈ?' બચ્ચનનો ઉત્તર હતો... ’હજુ આવવાની બાકી છે.’ મોહરા વિનાના ચહેરા સાથે માત્ર શાબ્દિક નહીં પણ અંતરના ઉમળકા સાથે આવતી વિશુદ્ધ વાણી સાથેની વિનમ્રતા એ, સર્જક અને સર્જનની પહેલી શરત છે. લખતો કર્યો, લખતો રહ્યો અને લખતો રહું... બસ આટલી અમથી અભ્યર્થના. ‘જીસ્મ કે લાખો રંગ’ને પુસ્તક રૂપે મારા લાખેણા હરખના આપ સૌ હિસ્સેદાર છો. પ્રણામ, આભાર.