શ્રી ભરતભાઈ ચકલાસિયાનો પરિચય ઓનલાઈન પ્લેટફોર્મ પર થયેલો. એમની સૂક્ષ્મ હાસ્ય નિપજાવતી ટૂંકીવાર્તાઓ વાંચી. સમકાલીન હાસ્ય લેખકોમાં ભરતભાઈ એક અનોખું સ્થાન ધરાવે છે. એમની હાસ્યવાર્તાઓમાં અનોખાં પાત્રો હોય છે, જેમનાં નામ પણ અનોખાં હોય છે. એમનું પાત્રવર્ણન કોઈ સિદ્ધહસ્ત હાસ્યલેખકને પ્રેરણા પૂરી પાડે એવું હોય છે. બહુ ટૂંકા પરિચયમાં જ ભરતભાઈ મિત્ર બની ગયા અને શોપિઝનની શરૂઆતથી જ જોડાયેલા રહ્યા છે. એમની ટૂંકીવાર્તાઓ ઓનલાઈન પ્લેટફોર્મ પર અનેક ઇનામો જીતી ચૂકી છે. શોપિઝનનું આમંત્રણ સ્વીકારીને એમણે એમનો પ્રથમ હાસ્યવાર્તાઓનો સંગ્રહ પ્રકાશિત કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
ભરતભાઈ સામાજિક વાર્તાઓ અને નવલકથાઓ પણ લખે છે અને એમાં પણ એમની હથોટી છે. હાસ્ય લખવું એ ખૂબ અઘરું કામ છે. વિઝ્યૂઅલ મીડિઅમમાં હાસ્ય અનેક રીતે નિપજાવી શકાય છે, પરંતુ જ્યારે લખીને લોકોને હસાવવાના આવે ત્યારે એ ખૂબ કપરી વસ્તુ બની જાય છે. મને અત્યંત આનંદ છે કે શ્રી ભરતભાઈ આ કામ સુપેરે પાર પાડી શક્યા છે અને એમનો આ પ્રથમ હાસ્યસંગ્રહ લોકોને ‘ખડખડાટ’ હસાવશે જ! નવા લેખકો માટે પણ હાસ્ય કેવી રીતે નિપજાવવું એ અંગે આ સંગ્રહ ગાઇડ બની રહેશે.
આશા છે કે ભરતભાઈની આ યાત્રા આમ જ અવિરત ચાલુ રહે અને એ અવનવાં પાત્રો દ્વારા સહુનું મનોરંજન કરતા રહે. ચાર્લી ચેપ્લિનનું એક કથન યાદ આવે છે - Laughter is the tonic, the relief, the surcease from pain. હાસ્ય આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે, વ્યક્તિને તમામ ચિંતાઓ અને જીવનની હાડમારીઓમાંથી થોડીક ક્ષણ આરામ આપે છે, એમનું મનોરંજન કરે છે. શ્રી ભરતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. - ઉમંગ ચાવડા