વેદના એ અનુભૂતિ છે. વર્ણન નહીં. માણસ વેદના યા પીડા સ્વયં અનુભવી શકે છે, જ્યારે એ ખુદ એવા પ્રકારની પીડામાંથી પસાર થયો હોય. હૈયાને ઝકઝોળી નાખે, આત્માને હચમચાવી મૂકે એવું દૃશ્ય જુઓ કે એવી વાત સાંભળો અને જો નયનમાં નીર ન ઉમટે, તો ત્યાં સુધી તમારી આત્મવંચના કુંઠિત રહેલી ગણાય; ન સૌંદર્યને પામો, ન સૌહાર્દની સંવેદનાને! પ્રેમ કરીને પરણી જવાથી પ્રેમનો અંત આવતો નથી. પ્રેમના નાજુક છોડને પછી સતત ચિંતનની જરૂર છે, જો એ છોડને સતત પ્રેમ ન મળે તો પ્રેમનો છોડ મુરઝાઈ જાય છે. આ નવલિકા સંગ્રહની વાર્તાઓ સત્ય ઘટના પર આધારિત છે. આગળ જે લખેલું છે તે દરેક વાર્તાને અનુરૂપ છે. આ સંગ્રહની કેટલીક વાર્તાઓ જુદાજુદા સામાયિકમાં પ્રસિદ્ધ થયેલી છે. સમાજના માણસોની સુષુપ્ત સંવેદના જાગે અને શીખ લે એવો પ્રયાસ છે.