"બળતા બપોરે" એ સાંપ્રત સમયમાં સમાજ અને દુનિયામાં ઘટતી ઘટનાઓનો ચિતાર આપતી વાસ્તવિક વાર્તાઓ છે.
વર્તમાન સમયમાં સમાજમાં અનેક દુર્ઘટનાઓ સર્જાય છે. જે મનને બેચેન બનાવે છે અને દિલને ડંખી જાય છે. આખરે આપણને થયું છે શું? કે આપણે આટલા ક્રૂર બની ગયા છીએ? ખૂન, બળાત્કાર, પ્રણયભંગ, લૂંટફાટ આ બધું જ ન જાણે વિનાશના ક્યાં કિનારે લઈ જશે? એ જ સમજાતું નથી!
પ્રગતિ અને વિકાસના નામે, આધુનિકતાના નામે આપણે અનેક દુષ્કૃત્યોને પેદા કર્યા છે. જેમ જેમ શિક્ષણ, સંસ્કાર, સુખ અને સમજદારી વધતી જ જાય છે, એમ સમાજમાં અફરાતરફી, દુશ્મનાવટ, કોઈને દેખાડી દેવાની કે પાડી દેવાની ઘેલછામાં ઉમેરો જ થતો જાય છે. આવનારી ભવિષ્યની પેઢી માટે આ ખતરનાક બીના લેખાશે. આવા ખતરનાક બનાવો ક્યાંય સુધી મનને કળ વળવા દેતી નથી!
'બળતા બપોરે'ની મારી આ વાર્તાઓ સમાજમાં ઘટતી, ઘટાવાતી ઘટનાઓને વાચા આપવાનો નમ્ર પ્રયાસ માત્ર છે. અને એથી કરીને પણ જો સમાજમાંથી આવી એકાદ બીનાનો અંત આવશે તો મારા માટે એ સુખદ અવસર હશે.
આ સંગ્રહની એકેક નવલિકાઓ આપને ગમશે જ! છતાંય ભોંયમાં ધરબાયેલ સૂરજડું છું. હજી ઉગવાની કોશિશ કરી રહ્યો છું. ઉગીને આથમીશ, સાહિત્યની પ્રખર જ્યોતિ પ્રગટાવીશ કે પછી ભોંયમાં જ ધરબાઈને પતન નોંતરાવીશ? એ તો વહાલા વાચકો / સાહિત્યકારો આપ જ નક્કી કરી શકવા સમર્થ છો.
ટૂંકમાં, 'બળતા બપોરે'ની માવજત કરવામાં ક્યાંય કોઈ જ કસર છોડી નથી. છતાંય નવો નિશાળીયો છું. એથી જો ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય કે અણઘડ રજુઆત થઈ હોય તો વાચકો તથા સાહિત્યકારો મને ક્ષમ્ય સમજે. ગમે તેમ પણ જો વાંચકો 'બળતા બપોરે'ની મીઠી છાંયમાં આરામથી વિચરશે કે વિહરશે તો અમીભર્યા આનંદના ઓડકાર આવશે જ.