મૂળ ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ જિલ્લાના કોટદ્વાર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લઈને મારા પિતાજી બાલકૃષ્ણ પારાસર શર્મા ‘પ્રકાશ’ અત્રે ગુજરાતમાં આવી, અહીં કાયમી વસવાટ કરીને ગુજરાતને માતૃભૂમિ, કર્મભૂમિ ગણીને રહ્યા. પિતાજી બાલકૃષ્ણ ‘પ્રકાશ’નું હું નાનું અમસ્તું પ્રેમમય કિરણ આપના ‘પ્રકાશ’ ઉપનામ સાથે ઓળખાવામાં ગર્વ અનુભવું છું. મેં B. A., PTC સુધીનો અભ્યાસ કરેલ છે અને અત્યારે નિવૃત્ત શિક્ષિકા છું. ભરૂચ જિલ્લાની વિવિધ શાળામાં શિક્ષિકા તરીકે સેવા આપી છે. હાલ વડોદરામાં રહું છું. વાંચન, લેખન, વક્તૃત્વ અને ગાવું મારો શોખ છે. સાહિત્યમાં છેલ્લા બે વર્ષથી નિવૃત્તિ બાદ પ્રવેશ કર્યો એટલે ધીમે ધીમે આગળ વધી રહી છું. સાહિત્ય ગ્રુપ "શબ્દ વાવેતર - એક પરિવાર" થકી સાહિત્યની સેવાનો બનતો પ્રયાસ ચાલુ છે. નમસ્કાર ગુજરાત દૈનિક ન્યૂઝપેપરમાં નિયમિત છેલ્લા ૬૦૦ દિવસથી સપ્તરંગી પ્રકાશના કિરણો નામની દૈનિક ચિંતન કોલમ આવી રહી છે. અવારનવાર અનેક ન્યુઝ પેપર, સાહિત્ય ગ્રુપમાં, સહિયારાં પુસ્તકોમાં સ્વરચિત રચનાઓ આવે છે. સદા અન્ય પાસેથી શીખવું એ શોખનું પોષણ કરી ખુદની અલગ ઓળખ બનાવવા ઇચ્છું છું.