‘તીરંદાજ - ધી આર્ચર’નું તીર કઇ રીતે છુટ્યું?
હું મૂળ તો ગીત-સંગીત અને નાટકોનો માણસ. સારી થ્રીલર, રહસ્યમય અને જાસૂસી ફિલ્મો અને સિરિયલો જોવા-માણવાનો જબરો શોખ. ઊંડેઊંડે મને એક વાતની પાકી ખાતરી હતી કે હું થ્રીલર વાર્તા લખી શકું, જો ધારું તો. અને એકવાર ધારી લીધું તો પાર પાડીને જંપુ. ‘મુંબઈ સમાચાર’માં સંગીતની કોલમ લખતા લખતા ‘ગીત અતીત’ પુસ્તક પ્રગટ થયું. બીજી કઈ કોલમ લખવી એની મથામણ મનમાં ચાલતી હતી. ‘મુંબઇ સમાચાર’માં મારી નજર સામેથી રોજેરોજ ઢગલાબંધ સમાચારો પસાર થાય. અમુક સમાચારો વાંચીને થાય કે ક્રાઇમના આ સમાચાર ભલે નાના કે નગણ્ય હોય, પણ એના પરથી વાર્તા સર્જી શકાય. ખરેખર તો લોકોને રહસ્યકથાઓ, હત્યા, જાસૂસી અને થ્રીલરોમાં વધુ રસ પડે છે. બસ, પછી ગાંઠ વાળી લીધી કે નવી કોલમ ક્રાઇમની હશે. સાચા બનેલા કિસ્સાઓની વાત હશે. ‘મુંબઈ સમાચાર’ના તંત્રી અને મારા મિત્ર નીલેશ દવેને વાત કરી. એણે એક પણ સેકન્ડ વિચાર કર્યા વિના હા પાડી. બસ, પછી તો ક્રાઇમના રસપ્રદ, રોમાંચક અને અનોખા સમાચાર એકઠા કરવાનું શરુ કરી દીધું અને ‘ક્રાઇમ સીન’ નામની કોલમ શરુ પણ થઇ ગઈ. કોઇ પણ વાર્તાના મૂળમાં તો કથાબીજ જ હોય છેને... બાકી બધું લેખકની કલ્પના પર નિર્ભર રહે છે. એટલે સત્યઘટનાનું વાર્તાબીજ લઇને નામ, સ્થળ સહિત આખેઆખું કલેવર બદલી નાખીને લખવાની શરુ્રઆત કરી. ‘તીરંદાજ-ધી આર્ચર’ ધાર્યા કરતા લાંબી લખાતી ગઇ. વાર્તા આગળ વધી તેમ તેમ નવા નવા પાત્રો ઉમેરાતાં ગયાં, નવા નવા વળાંકો આંચકા આવતા ગયા, માનવસંબંધોની ગરિમા અને સંવેદના ઉમેરાતી ગઈ. તીરંદાજમાં મારા એકલાનું તીર નથી. આકર્ષક કવર પેજ મિત્ર ચેતન પટેલે કર્યું. ટેકનિકલ બાજુઓ શિલ્પેશ આયડે અને ભરત પટેલે પાર પાડી.
ક્રાઇસિસથી આરંભાયેલી વાર્તા ક્લાઇમેક્સ પર પહોંચી ત્યારે તીર નિશાને પર લગા હોવાનો મને અહેસાસ થયો. તમને પણ થશે.
- અનિલ રાવલ