ઉંમર ૮૧ વર્ષ. અભ્યાસ એમ.કોમ. ૧૯૬૮માં પ્રથમ રચના ‘સુધા’ સાપ્તાહિકમાં પ્રકાશિત થઇ હતી (જેનું પ્રકાશન હવે બંધ છે). ત્યારબાદ ‘કુમાર’માં એક લઘુકથા પ્રકાશિત થઇ. લાંબા ગાળે ૨૦૦૪ બાદ વાર્તાઓ, કવિતા, લઘુકથા, લેખો લખાયા, જે ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા! જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’, ‘મારી સહેલી’, જેવા સામયિકોમાં પ્રકાશિત થયા. તે ઉપરાંત ‘જન્મભૂમિ’ અને ‘મુંબઈ સમાચાર’ જેવા વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયા છે. જુદા જુદા બ્લોગ્સ પર પણ અવારનવાર મારી રચનાઓ મુકાઈ છે. આ ઉપરાંત એક સંસ્થા માટે એક બાળનાટક ‘દિવાળી વેકેશન’ લખ્યું, જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું. આજ સુધીમાં પ્રકાશિત રચનાઓની સંખ્યા ૪૦૦ને પાર કરી ગઈ છે.
મારી રચનાઓમાં વાર્તા, કવિતા, નિબંધો, વગેરે સામેલ છે. આ અગાઉ એક નવલકથા પણ લખાઈ છે અને આ મારી બીજી નવલકથા છે. આ કથા મૂળમાં મારી જ એક વાર્તા સ્વરૂપે હતી. નવલકથાનું હાર્દ સામાજિક છે. વાંચતાં વાંચતાં વાચકને કદાચ આવો અનુભવ થયો હશે કે જાણ્યું હશે એટલે નવીન ન ગણાય. તેમ છતાં જો આ નવલકથાને માણશો તો તેનો આનંદ.