મેં ગોદડું રચના લખી ત્યારથી વ્હાલા મમ્મીએ સપનું સેવી લીધેલું મારું પુસ્તક બહાર પાડવાનું, એ સપનું આજે સ્વર્ગમાં રહી એ પૂરું કરાવી રહ્યાં છે, ઇશ્વરની સાથે રહીને! મારું માનવું છે કે શબ્દો બ્રહ્માંડમાં વિલીન થતાં પહેલાં માનવીય હૃદયમાં અમર થવાની કોશિશ કરે છે. હૃદયમાં જેટલાં ઊંડા ઉતરે એટલા એ વધુ જીવે. આપ સર્વેનાં હૃદય પર હળવેથી દસ્તક આપી અને આપની સંવેદના જાગૃત કરી હૃદયમાં ઊંડે સુધી પહોંચવાની તાકાત મારાં શબ્દોમાં હોય એવી પ્રાર્થના માત સરસ્વતીને. હું સિદ્ધહસ્ત લેખિકા નથી, બસ મારાં મન ભીતર ઉમડતી લાગણીઓને શબ્દદેહ આપી દઉં છું અને એનાથી મન આનંદ પામે છે. હું ઈચ્છું કે આપ વાચક વર્ગને એ લાગણીઓ સ્પર્શે! પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે મેં જીવન જોડ્યું છે, બાર વર્ષથી સતત તેમનાં પુસ્તકોનું રેકોર્ડિંગ કરી આપી એમનાં અભ્યાસમાં મદદરૂપ થાઉં છું. અવિરત ચાલતી આ તથા અન્ય દરેક પ્રકારનાં દિવ્યાંગોની સેવામાં કરુણ સંવેદનાઓ હૃદયસ્થ થતી ગઈ. એ સતત વહેતી સંવેદનાઓ જો અન્ય પણ અનુભવે અને મારાં શબ્દોની અસર તળે પરોપકાર ભાવના જાગૃત થાય તો બીજું કશું ન જોઈએ.