ધગધગતા જ્વાળામુખીની ટોચ ઉપર ખીલેલું એક સુંદર પુષ્પ! આ પુસ્તક એક અનોખી ગાથાનો પ્રથમ ખંડ છે, જેમાં કથાનાયક દુર્ગાપ્રતાપ અને એના સાથીઓના પાત્રો એવા સેંકડો યૌદ્ધાઓની પ્રેરણાથી ઘડાયા છે, જેમણે માતૃભૂમિ માટે બલિદાન આપેલું. નવલકથાની ટૅગલાઇન છે: ધગધગતા જ્વાળામુખીની ટોચ ઉપર ખીલેલું એક સુંદર પુષ્પ!. આમાં સન સત્તાવનના સંગ્રામની ધગધગતી ઘટનાઓ પણ છે અને એની ટોચ પર આકાર લેતી, એક સુંદર પુષ્પ જેવી, કોશી અને સત્યાના પાત્રો વચ્ચે રચાતી નાજુક પ્રેમકથા પણ છે. આ કથા કાલ્પનિક છે પણ એમાં આવતા પાત્રો પોતીકાં લાગે એવું એનું નિરૂપણ કર્યું છે. ગાંધીજી, મંગલ પાંડે, નાના સાહેબ પેશ્વાની વાતો પણ આવે છે. અહીં એક તરફ આપને માભોમ માટે ઝઝૂમતા પાત્રોમાં શૌર્યરસ દેખાશે તો બીજી તરફ એ જ પાત્રોના હૃદયમાંથી છલકાતો પ્રેમરસ પણ દેખાશે. પ્રેમ પણ કેવો! ક્યારેક બીમાર પત્નીને જીવન આપવા તત્પર રહેતો પ્રેમ, તો ક્યારેક સ્વાર્થથી પરે પ્લેટોનિક પ્રેમ. ક્યારેક બેડીઓમાં જકડાયેલ માતૃભૂમિ માટેનો ઝનૂની પ્રેમ તો ક્યારેક લાલચ અને કપટને પરાસ્ત કરતો પ્રેમ. દુર્ગા, કોશી, અસદુલ્લા, ગજાનન, લેડી કાર્માઈકલ, બેગમ જહાંઆરા, મોહન વગેરે પાત્રો ઇતિહાસમાં જ ક્યાંક છુપાયા હશે, કોઈ અલગ નામે. આવા અસંખ્ય શૂરવીર પણ ઇતિહાસના પાનાંઓમાં ખોવાયેલા લડવૈયાઓને નમન છે. આશા છે આપને આ પ્રથમ ખંડ ગમશે. અમે જલદી જ બીજા ખંડ સાથે હાજર થઈશું.