ટ્રેન એટલે એક એવી ધસમસતી ઊર્જા, જેનું આકર્ષણ નાનાં બાળકોથી લઈને મોટેરાઓને પણ થતું હોય છે. ભારતીય વાર્તાઓ, સિનેમા અને ટેલિવિઝનમાં પણ અસંખ્યવાર મળવાના, છૂટા પડવાના, નાસી જવાના, લક્ષ્ય સુધી ભાગવાના કે નિયતિને સમર્પિત થઈ આગળ વધવાના પ્રતિક તરીકે ટ્રેન વપરાતી આવી છે. પાટા પર સરકતી ટ્રેનનો એક રોમાંચ હોય છે. એ રોમાંચમાંથી વાર્તાઓ શોધવાનો પ્રયાસ એટલે શોપિઝન દ્વારા આયોજિત ‘ધ ટ્રેન સ્ટોરી – લઘુનવલકથા સ્પર્ધા’. ભાગ લેનાર સર્જકમિત્રોએ પાટા પર દોડતા અચરજ, આશ્ચર્ય અને રોમાંચને પોતાની લેખિની વડે જીવંત કરીને ભિન્ન ભિન્ન રસ નિષ્પન્ન કરતી, શ્વાસ અને ધડકનો થંભાવી દેતી, લાગણીઓ ઝંકૃત કરતી કથાઓનું સર્જન કર્યું છે. આ સંગ્રહમાં સ્પર્ધાની વિજેતા કૃતિઓ સામેલ છે. ટ્રેનના બંધ ડબ્બામાં ક્યાંક રહસ્ય ઘેરાય છે, તો ક્યાંક મીશ્ર લાગણીઓનો સેતુ બંધાય છે. ક્યાંક સાંપ્રત મુદ્દા આસપાસ રચાતું કથાનક છે, ક્યાંક સાશ્વત પ્રશ્નો, મનની મૂંઝવણો અને હૃદયની લાગણીનો ચિતાર શબ્દોમાં ઉતરી આવ્યો છે. ક્યાંક નવું કથાવસ્તુ અને નવી શૈલી છે, તો ક્યાંક પરંપરાગત કથાવસ્તુને ન્યાય આપતી પરિપક્વ કલમનો જાદુ છે. આ કથાઓ આપની વાંચનભૂખ ચોક્કસ સંતોષશે એવી અમને આશા છે. સૌનો હૃદયપૂર્વક આભાર.