એકાંકી સંગ્રહ ‘ખમણ : કોરાં વઘારેલાં ટમટમ’માં પ્રહસન કહી શકાય એવાં ત્રણ એકાંકી છે. પ્રથમ એકાકી ‘ખમણ : કોરાં વઘારેલાં ટમટમ’ ૨૦૧૨-૧૩માં બુડ્રેટી ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આયોજિત સાતમી કૉમેડી નાટ્ય લેખન યોજનામાં પસંદ થયું હતું. આ એકાંકીનાં મુખ્ય બે પાત્રો પરેશ અને પલ્લવી છે. પરેશને ખમણના ધંધાનું વળગણ છે જ્યારે પલ્લવીને બ્લૉગ લખવાનું વળગણ છે. સાહિત્ય અને કળામાં પલ્લવીને રસ છે જ્યારે પરેશને નથી. વિરોધી શોખ ધરાવતાં આ બે પાત્રો વચ્ચે કેવી સમસ્યાઓ સર્જાય છે એની વાત મેં આ એકાંકીમાં હળવાશથી કરી છે. બીજું એકાંકી ‘જાન ભાડે મળશે’નો વિષય સામાજિક છે જેમાં દિવાકર નામનો યુવાનનો વ્યવસાય પોતાના ગ્રાહકોને સગાઈ, લગ્ન, વરઘોડા જેવા શુભ પ્રસંગોમાં સહાય કરવાનો છે. ત્રીજું નાટક ‘આવ મંગળ અમને નડ’ સમાજમાં વર્ષોથી અડીખમ રહેલી મંગળની માન્યતા વિશે છે. આ નાટક વિશે કશું લખવા કરતાં મને આ નાટકનો એક સંવાદ મૂકવાનું મન થયું છે. પરેશ નામનું એક પાત્ર કહે છે : પપ્પા, જન્માક્ષરો મેળવીને લગ્ન કરનારાઓની જિંદગીમાં પણ તકલીફો તો આવે જ છે. દરેકની જિંદગીમાં તકલીફો તો આવવાની જ. અને બીજી વાત એ કે, આ જન્માક્ષરો મેળવવાની લાયમાં કેટલાંય છોકરા-છોકરીઓનું ગોઠવાતું જ નથી. સારી સારી જોડીઓ ગોઠવાતાં ગોઠવાતાં અટકી જાય છે. ચાળીસ ચાળીસ વર્ષોની ઉમરના લોકોના બાયોડેટાથી લગ્નની વેબસાઇટ્સ છલકાય છે. આવું ને આવું ચાલશે તો કેટલાંય પરણ્યા વગર રહી જશે એનો તો જરા વિચાર કરો. આ સંગ્રહ વાચકોને ગમશે એવી આશા છે.