હું મેઘલ ઉપાધ્યાય 'મેઘુ' રાજકોટથી. નાનપણથી વાંચનમાં ખૂબ જ રસ ધરાવું. ઉંમર વધવાની સાથે વાંચનનાં સ્વરૂપ પણ બદલાતાં રહ્યા. બાળવાર્તાઓથી શરૂ કરેલું વાંચન નવલિકા, નવલકથાઓ, આધ્યાત્મિક પુસ્તકો, સામયિકો સુધી પહોંચ્યું. વાંચન દ્વારા વિચારો વિશાળ બન્યા અને હવે એ વિચારોને શબ્દો આપવાનું નક્કી કર્યું. ૨૦૧૯થી વ્યવસ્થિત લેખન કરવાની શરૂઆત કરી. વોટ્સએપ ગ્રુપનાં માધ્યમથી શરૂ કરેલું લેખન પુસ્તકો સુધી પહોંચ્યું. અત્યાર સુધીમાં સહલેખિકા તરીકેના આઠ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે. 'મારું વિશ્વ મારી વાર્તાઓ' સ્વતંત્ર લેખિકા તરીકેનું પહેલું પુસ્તક છે. આ સાથે હું સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં માનદ પત્રકાર છું. ૨૦૨૧માં અક્ષરમૈત્રી સાહિત્ય વર્તુળ દ્વારા શ્રેષ્ઠ કવિયત્રીનો એવોર્ડ મળેલ છે. ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા છેલ્લાં તેર વર્ષથી આયોજિત 'ઉષા પર્વ'માં રાષ્ટ્રીય સ્તરે અલગ અલગ વિભાગમાં ૩૦ મહિલાઓની પસંદગી કરી તેમને એવોર્ડ આપવામાં આવે છે. તેમાં ૨૦૨૨ ઉષા પર્વ ૧૩માં મારી પસંદગી સાહિત્ય ક્ષેત્રમાં કરવામાં આવેલ અને આ એવોર્ડ દ્વારા મારું સન્માન કરવામાં આવેલ છે.