સમયની ગાડીમાં બેસીને પાછળ જઈને વિચાર કરીએ તો અર્વાચીન સમયની જેમ એ સમયે પણ નેતાપણું હશે. એના માટે વિવિધ સ્પર્ધાઓ થતી હશે. કબિલાઓ પોતાનો વિસ્તાર વધારવા યુધ્ધ કે રાજનીતિ રમતા હશે. માનવમનની લાગણીઓને વિકસતાં જેટલો સમય લાગ્યો એટલા જ સમયમાં માનવવ્યાપ પણ વધતો ગયો અને પછી શરૂ થઈ હશે આંતરિક હરિફાઈઓ! એ આદિકાળમાં પણ લૂંટફાટ હશે, ક્યાંક સંપતિની તો ક્યાંક વિસ્તારની. જે આજ સુધી વિશ્વતરે આપણને નજરે ચડે છે અને સમરે સમયે ભયનું વાતાવરણ ઉભું કરતું રહ્યું છે. તો કંઈક આવી જ વાત છે, આ નવલકથા. આદિકાળમાં જે પાસાંઓને કદાચ દબાવી કે ભૂલાવી દેવામાં આવ્યા હશે, એનું યથાર્થ ચિત્રણ યુવા લેખકશ્રી જીગરભાઈએ કર્યું છે. આ નવલકથામાં લેખકે ઉત્ક્રાંતિ કાળનાં સમયની એક કથા આલેખી છે. વેલ્જીરિયા પ્રદેશના ચાર કબિલાઓ વેંજીર, મેરાઉ, ઝાબૂર તથા જાતર્ક કબિલાઓનું જીવન વર્ણવ્યું છે. એ સમયની વ્યવસ્થા શું હશે? કબિલાઓમાં સંયુક્ત સેનાપતિ બનવા માટે સાંપ્રત સમયની જેમ એ સમયે શું કરવું પડતું હશે; હરીફાઈ હશે કે પછી કસોટીઓ? મોતને ભેટવું પડતું હશે કે પછી દૈવીય શક્તિને બલી ચડાવાઇ જતી હશે? આથી વિશેષ બાબતોનું ખૂબ સુંદર અને યથાર્થ ચિત્રણ કરવામાં આવ્યું છે. જે વાંચતી વેળાએ ક્યારેક રોમાંચનો ધક્કો કે ઝટકો આપે છે. આ સમગ્ર નવલકથા જાતર્ક કબિલાના સરદારના પુત્ર રેમન્ડો તથા સમગ્ર વેલ્જીરિયાના પ્રદેશના સરદાર કમ્બુલાની પુત્રી શાર્વીને કેન્દ્રમાં રાખીને આલેખવામાં આવી છે. એક વીર યૌદ્ધા; જે પોતાના સાહસથી બધાનું દિલ જીતી લે છે અને લેખક દ્વારા એ સાહસનું વર્ણન વાંચકોને અંત સુધી વાંચવા મજબૂર કરે છે. જેના માટે લેખકની પીઠ થપથપાવી પડે. લેખક જીગરભાઈને એમના ચોથા પુસ્તકના પ્રકાશન વેળાએ ખૂબ ખૂબ અભિનંદન. - ખુશાલ ડાભી