આ પુસ્તક તદ્દન સત્યઘટના પર આધારિત જીવનચરિત્ર છે. પાત્રોનાં નામ બદલ્યાં છે. સંઘર્ષ દરમિયાન નબળી પરિસ્થિતિએ હિતેશ અને તેના પરિવારની મનોસ્થિતિને એટલી હદે તોડી દીધી કે દરેક વ્યક્તિ તેમને માટે એક સબક સાબિત થઈ. હિતેશે કઠણ કાળજે ઘર પાણીનાં ભાવે વહેંચવું પડ્યું, પણ તે સમયે ઘરની વ્યક્તિને, ઘરનાં આધારને બચાવવું વધુ જરૂરી હતું. આ પરિવારે હવે જીવન ફરી એકડે એકથી શરુ કર્યું છે. માતાપિતાનો અઘરો સમય રોનક અને રીનાને પણ ઘણું શીખવતો ગયો. બસ, ઈશ્વર પાસે એ જ પ્રાર્થના છે કે સૌને ફરીથી હસતા-રમતા કરી દેજે અને આગળ પણ તેમની આંગળી પકડી રાખજે. આ પરિવારને એક વાતની ખુશી છે કે, ‘તેમની સાચી નીયતને કારણે દૈવી શક્તિએ હંમેશાં તેમની કોઈને કોઈ સ્વરૂપે મદદ કરી છે. બસ, આ જ રીતે તેમને સાચી દિશામાં પ્રગતિ તરફ કદમ માંડવામાં મદદ કરે અને સાથોસાથ તેમનાં સંતાનોને પણ મહોરાં પહેરી રાખેલાં લોકોથી બચાવે.’
મારા આ પ્રથમ પુસ્તકનાં પાને પાને રજૂ થયેલાં શબ્દો મારા અંતરની લાગણી, અનેક આશા સાથે લખાયેલાં છે. હજારો સપનાંઓનું નજરની સામે ખંડન થયાં પછી પણ કમબેક કરવાં, જીવનને નવાં જ અધ્યાયમાં રૂપાંતરિત કરવા માટે તમારી સમક્ષ આ મારી પ્રસ્તુતિને હૃદયપૂર્વક પસંદ કરવા બદલ આપ સૌ વાચકોનો અપ્રતિમ આભાર.