દરેકના જીવનમાં કોઈને કોઈ મોડ પર એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે કે જ્યાં ગમે એટલી કોશિશ કરવા છતાં હકારાત્મક અભિગમ રાખી શકાતો નથી અને આપણે એ સમસ્યામાં એવા ભરાઈ જઈએ છીએ કે ક્યારેક તેનો ઉકેલ આવતા ઘણો સમય લાગી જાય છે અને ધીરે ધીરે આપણી અંદર આવી જાય છે નકારાત્મકતા! જે દેશને યુવાધન તરીકે ઓળખાય છે, અત્યારે ત્યાંજ સૌથી વધુ હતાશા, ઉદાસીનતા જોવા મળે છે અને એના માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે, પણ સાથે એ હકીકત છે કે અત્યારની પેઢીનો સંઘર્ષ શારીરિક નથી પરંતુ માનસિક છે. જે પણ શારીરિક શ્રમ હતો એ તો આપણે જીતી લીધો ટેક્નોલોજી દ્વારા, પણ આપણે હજુ પણ માનસિક સંઘર્ષને જીતી નથી શક્યા. જિંદગીમાં તમામ રીતે હારી જઈએ ત્યારે આપણને જીવનમાં ફરી ઉત્સાહ જાગે એ માટે કોઈને કોઈ પ્રેરણા કે પ્રેરક વક્તાની જરૂર પડે છે. ‘સકારાત્મકતાની સમીપે’ કાવ્ય સંગ્રહ આવું જ એક પ્રેરણાદાયી પુસ્તક બની રહેશે એવી આશા છે.