હું યામિની પટેલ, નાનકડા ઔદ્યોગિક શહેર વાપીની રહેવાસી. સાયન્સ બેકગ્રાઉન્ડમાં ભણતર બાદ એ જ ક્ષેત્રમાં કાર્યરત છું. પણ મન ગુજરાતી સાહિત્યથી તરબતર છે. અઢળક વાંચન સાથે વીતેલું બાળપણ ઊછરતા દરેક વર્ષોને સાહિત્યિક, આધ્યાત્મિક અને રાજનૈતિક વાતાવરણનો નજદીકી અનુભવ આપી ગયું. છુટાછવાયા કાગળો અને ડાયરીના પાનાઓ ઉપર ચાલતી રહેતી કલમની કરામત મને બહુ મોડે સમજાઈ. પિતાએ આપેલી લેખન કેળવણી બાદ વલસાડ જીલ્લાના સ્થાનિક અખબારથી લેખન જગતમાં પા પા પગલી માંડી હતી. ૨૦૧૫માં ઓનલાઇન સાહિત્યિક પ્લેટફોર્મ્સ માટે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું એ પછી મારી આ કલમ અટકી જ નથી. સામાજિક, કાલ્પનિક અને સાયન્સ ફિક્શન જેવા વિષયો પર લખાયેલી વાર્તાઓ, લઘુનવલ, માઈક્રોફિક્સન, લેખો, કવિતાઓ, એમ ૬૦થી વધુ રચનાઓમાંથી પંદર રચનાઓ જ્યારે ઉન્નત મસ્તકે વિજેતાના મથાળા હેઠળ વાચકોને સારું વાંચ્યાનો સંતોષ આપે ત્યારે લખવાનું સાર્થક થયેલું જણાય. તેથી જ વાચકોના રસને અનુરૂપ મારા લેખનને નાવીન્યતાથી ભરપૂર રાખવાના પ્રયાસ કરતી રહું છું. નસીબવંતી ક્ષણોએ મારા જીવનમાં પ્રગટેલું શબ્દતેજ મેં આ વાર્તાસંગ્રહમાં ઠાલવ્યું છે. સમયાંતરે લખાયેલી આ વાર્તાઓનું ઓજસ સમયની સાથે વધુ ને વધુ પ્રજ્વલિત થતું રહ્યું છે અને જુદી જુદી પૃષ્ઠભૂમિને લઇ રચાયેલી મારી કેટલીક વાર્તાઓ મેં ‘અક્ષરઉજાસ’ના શીર્ષક નીચે સમાવી છે.