માનવી કરતાં દેવ ઊંચા ગણાય… ખરેખર? માનવત્વ અને દેવત્વમાં કોણ ચઢિયાતું? માનવીએ તો કોઈ સ્ત્રી પર થતા અત્યાચાર જોઈને પોતાના માથા વઢાઇ જાય ત્યાં સુધીના બલિદાનો આપેલા જ છે, અને તેના પાળીયા હજુ પૂજાય છે. તમે ક્યાંય દેવોના પાળીયા વિશે સાંભળ્યું? જન્મે ભલે મનુષ્ય હોય, પણ તેનામાં દેવત્વ ન હોવું જોઈએ.
રાજેન્દ્રભાઈ સોલંકીની કસાયેલી કલમે આલેખાયેલું એક અનોખું કથાનક એટલે દેવત્વ. રાજેન્દ્રભાઇની અન્ય નોવેલ ‘પુનર્જન્મ’ને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. ‘દેવત્વ’ની કથા વર્તમાન, ભૂતકાળ અને કલ્પનાકાળમાં એકસાથે ચાલતી એકદમ પ્રવાહી શૈલીમાં લખાયેલી છે, જે એક અનોખી ફિલોસોફી પણ રજૂ કરે છે. અચૂક વાંચવા અને વસાવવા જેવું તથા નવી પેઢીને વાંચવા માટે પ્રેરવા જેવું પુસ્તક એટલે ‘દેવત્વ’. - અમિષા શાહ ***
દેવત્વ રાજેન્દ્રભાઈ સોલંકીની માનવીય સંબંધોને ઉજાગર કરતી અદ્ભુત નવલકથા છે. વર્ષા શાહ એક પ્રસિદ્ધ લેખિકા છે. લેખિકા પોતાની જ બહેનના માધ્યમથી ભૂતકાળની ગાથા થકી આપણને નવલકથાના જાજરમાન પાત્રોનો પરિચય કરાવી જાય છે. ઘરના મોભી એવા માધવસિંહનું પાત્ર એમની ઉદારતા અને પરોપકારી સ્વભાવને લીધે ઊંડી છાપ છોડી જાય છે. સ્નેહાળ સંબંધોની સારપ વહાવતી નવલકથા આપણને પોતીકી લાગે છે. રાજેન્દ્ર ભાઈની દેવત્વ મન પર અમીટ છાપ છોડવામાં સફળ રહી છે. - સાબીરખાન પઠાણ ***
પોતાની પેઢીના લેખકોમાં અલગ તરી આવતા રાજેન્દ્રભાઈનો મને પ્રથમ પરિચય ‘કાલીચરણ’ના લેખક તરીકે થયેલો. અલગ તરી આવવાનું કારણ એમનો પ્રયોગશીલ સ્વભાવ. એમના સૂચનથી પ્રેરાઈને શોપિઝન દ્વારા ‘સર્જક વિરુદ્ધ સર્જન – સવાલ અસ્તિત્વનો’ સ્પર્ધા પણ યોજવામાં આવેલી, જેમાં રસપ્રદ કૃતિઓ આવેલી. (કૃતિઓ શોપિઝન પર નિ:શુલ્ક વાંચન માટે ઉપલબ્ધ છે.) ‘દેવત્વ’માં એમનો આ જ, કશુંક નવું કરવાનો ભાવ જળવાઈ રહ્યો છે. કથા સરળ છે, રસાળ છે અને ‘ટુ ધ પૉઇન્ટ’ લખાયેલી છે. કશું બિનજરૂરી નથી લાગતું, કશું ખટકતું નથી. પરંપરાગત કથાનકને આ લાક્ષણિકતા એક આધુનિક અને પરિપક્વ સર્જન તરીકે નિખારે છે, બળવાન બનાવે છે. ‘સ્ટોરી વિધિન ધી સ્ટોરી’ મારી અતિપ્રિય કથનશૈલી છે. ‘દેવત્વ’માં એનું પ્રયોજાવું સુખદ આશ્વર્ય બની રહ્યું. રાજેન્દ્રભાઈના દાવા પ્રમાણે ‘દેવત્વ’નો અંત ખરેખર મજા કરાવી દેનારો છે. મનના એક ખૂણામાં રાજીપો પ્રગટાવે છે. પુસ્તક પ્રકાશનની વેળાએ અભિનંદન અને શુભેચ્છાઓ. - સ્પર્શ હાર્દિક