હિમાલય — આર્યોનું આ આદ્યસ્થાન તપસ્વીઓની આ તપોભૂમિ, — પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયેર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગનનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે; સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે; કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઠ્ય છે; અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે