નાયક નહિ, નાયિકા નહિ; પ્રેમનો ત્રિકોણ નહિ : એવી આ સોરઠી જીવનની જન-કથા છે. એ કથાનો નાયક આખો જનસમાજ છે. ગયા બે દાયકા ઓળંગીને તમે સોરઠના સીમાડા પર ઊભા રહેશો તો તે પૂર્વેનાં વીશેક વર્ષોને પોતાના પ્રવાહમાં ઝીલીને વહેતું, આ કથાનું વહેણ તમે સ્વચ્છ જોઈ શકશો.
નામનિર્દેશ કરવાની જરૂર નથી એવી કેટલીએક જીવતી વ્યક્તિઓ આ કથાનાં પાત્રોમાં પોતાની છાયા પાડે છે. બીજાં કેટલાંક એવાં પાત્રો છે કે જેમને કોઈ વ્યક્તિવિશેષ પરથી નહિ પણ સોરઠી સમૂહજીવનની સાચી માટીમાંથી ઘડી કાઢવાનો મારો પ્રયત્ન છે. આ કથાને મેં તો ઈતિહાસ-કથા લેખે જ આલેખી છે. એ ઈતિહાસ વ્યક્તિઓનો છે અને નથી યે; પણ સમષ્ટિનો ઈતિહાસ તો એ છે જ છે. કેમ કે ઈતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઈતિહાસમાં વિશેષ છે - જો એ જનસમૂહનો ઈતિહાસ બનવા માગતો હોય તો જ, બેશક.
કથાની શરૂઆત તો વિગતો નક્કી કર્યા પૂર્વે જ એક દિવસ અચાનક 'જન્મભૂમિ'ના મારી છાતી પર ઊભેલા એક શનિવારને માટે કરી નાખેલી. તે પછી તો કથા પોતાનાં વહેતાં પાણીને વાસ્તે પોતાની જ જાણે સોરઠની તાસીર અનુસાર પોતાનો માર્ગ કરતી ગઈ.
માર્ગે આ પ્રયત્નના કેટલાક અનુરાગી સ્નેહીઓ મળતા ગયા. તેમણે પણ આ કથાનાં પાણીને જોઈતાં કેટલાંક નાનાંમોટાં ઝરણાં પૂરાં પાડ્યાં. તેમના સંગાથમાં આ વહેતાં પાણીને આરે આરે કરેલી આ લાંબી મજલ વધુ મીઠી બની છે.
એજન્સી-પોલીસના એક જૂના કાળના અમલદારના પુત્ર તરીકે મેં પોતે પીધેલા વાતાવરણની આ કથામાં ઊંડી છાયા પડી છે. નાજાવાળા, હીપાવાળા, ઝવેરભાઈ ફોજદાર, સૂટર સાહેબ, હરજીવનદાસ ફોજદાર અને બીજા કેટલાક, તેમને વિશે બનેલી ઘટનાઓના વહેળા આ 'વહેતાં પાણી'માં મળ્યા છે.