અંજારના રહેવાસી વર્ષા ભટ્ટ ‘વૃંદા’ પરિવારની જવાબદારીઓ સંભાળવાની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ સંકળાયેલા છે. કૉલેજકાળથી લેખન કાર્ય કરતા આવતા હતાં, પણ લૉકડાઉન દરમિયાન તેમના સર્જનને પ્રગટ થવાની તક મળી. દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીના પ્રસંગે, 'આઝાદીના અમૃત મહોત્સવ'ના ભાગરૂપે યોજાયેલી કાવ્ય સ્પર્ધામાં શ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે તેમને ટ્રોફી પ્રાપ્ત થયેલ છે. *** શ્રીમતી વર્ષા ભટ્ટ 'વૃંદા'ની આ નવલકથા 'મમતા' એ શીર્ષકની સાર્થકતાનું મજબૂત પરિમાણ છે. એમની કલમનાં અનુભવનો નિચોડ વર્તાય છે. મુખ્ય બે પાત્રોની આસપાસ ફરતી આ નવલકથા કંઈ કેટલાંયે રહસ્યો સાથે લઈને ફરે છે. પહેલા જ પ્રકરણથી વાચકોને જકડી રાખતી આ નવલકથા દરેક પ્રકરણનાં અંતે જિજ્ઞાસાનું અલ્પવિરામ મૂકતી જાય છે. 'હવે શું થશે?'ની પ્રતીક્ષા જ લેખિકાની કલમનું હાર્દ છે. બે મુખ્ય પાત્રો મંથન અને મોક્ષાની સંવેદનાનો વિષય ક્યાંય રસભંગ થતો નથી કે ક્યાંય અતિરેક પણ કરતો નથી. આ આખી નવલકથામાં વિરહ અને મિલનના પ્રસંગોમાં લેખિકાએ રસાળ શૃંગાર કંડાર્યો છે, પણ અશ્લીલતા ક્યાંય નથી. એ જ પાસું મને ખૂબ સ્પર્શી ગયું છે. મુખ્ય પાત્રો સાથેના સહાયક પાત્રોનું પાત્રાલેખન પણ સરાહનીય છે. સંપૂર્ણ પારિવારિક જીવનનું કથાનક, તેના સચોટ સંવાદો અને ચિત્રાત્મક વર્ણનોથી નયનરમ્ય બન્યું છે. નારીહૃદયની ઋજુતા એની મમતામાં છલકાઈ આવે છે. એ જ આ લેખિકાની કલમની વિશિષ્ટતા છે. શરૂઆતથી અંત સુધીની નવલકથા અનેક વળાંકો સાથે વાંચકને ઉદ્વેગમાં મૂકે છે સાથે એમની ઉત્સુકતા પણ વધારે છે. લેખિકાની કલમ અહીં ઘણી સફળ થાય છે. આખી નવલકથાનો વિષય હું અહીં ખોલતી નથી, આ પુસ્તક વાંચવા આપ ચોક્કસ પ્રેરાશો! પૂર્ણિમા ભટ્ટ 'શબરી' કવયિત્રી અને લેખિકા, સુરત.