પાટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાના પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ કથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પૂંજો બામરોલિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. પછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હૉસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પૂંજાનુ ખૂન કરી વેર લેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકાકેન્દ્રી કથાના નિરૂપણમાં ક્યાંક કૌતુકરાગી અભિનિવેશો પ્રવેશી ગયા હોવા છતાં ‘માનવતાનું હાર્દ પકડવામાં’ આ કથા સફળ થઈ છે.