આ નવલકથા લેખકની કિર્તીદા કૃતિ છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામી છે તો કિશોરો અને યુવકોને એણે મુગ્ધ કર્યા છે. સમુદ્રથી રણ સુધી આલેખાતી ભૌગોલિક ગતિમાં ઉત્તર ગુજરાતનો રમણીય પ્રદેશ જીવંત થઈ ઉઠ્યો છે. સુકલ્પિત અને સુગ્રથિત એવી કથાનાં ત્રણેય પાત્રો - અમૃતા, ઉદયન અને અનિકેત સંનિષ્ઠ હોવા છતાં ત્રણેયને પોતાનો ગ્રહો કે આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે, પણ અંતે વિશુદ્ધતર બની બહાર પડે છે. અમૃતાને સ્વાતંત્ર્યનો ધખારો હતો પણ તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી, સ્નેહ અને સંવાદિતા પણ જોઇએ. ઉદયનને ખ્યાલ આવે છે કે સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે, કોઈ એકલું નથી. જીવવા માટે પણ અનેક માણસોની જરૂર પડે છે. પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી એ સમજાતાં અનિકેત પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે.