2008ના આર્થિક સંકટથી શરુ થઈને 2020ની કોરોના મહામારી સુધીના સમયગાળામાં વિશ્વની આર્થિક વ્યવસ્થા અને વિવિધ દેશો વચ્ચેના સંબંધોનું જૂનું માળખું ખાસ્સું હચમચી ગયું છે અને તેની જગ્યાએ નવી ગોઠવણો અને બાંધછોડ આવી રહી છે. તમામ દેશોના પારસ્પરિક સંબંધોમાં નવી જરૂરિયાતો, નવા સ્વાર્થ, નવી મજબૂરીઓ અને નવી આશાઓ ઉમેરાઈ છે. આ બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારતની ભૂમિકા બહુ જ અગત્યની છે. ભારતનું મુખ્ય ફોકસ રહેશે : પોતાને માત્ર દક્ષિણ એશિયા સુધી સીમિત ન રાખીને વિશ્વ સ્તરે થઇ રહેલા ફેરફારોમાં નિર્ણાયક ભૂમિકા ભજવવી, પોતાનું સ્થાન મજબૂત કરવું અને પોતાનું મહત્વ વધારવું.
ભારત આ કેવી રીતે કરશે? આ પુસ્તકમાં તેનો જવાબ છે. ભારતના બાહોશ વિદેશમંત્રી એસ. જયશંકરે તેમના આ પુસ્તકમાં આ પડકારોનું વિસ્તારપૂર્વક વિશ્લેષણ કર્યું છે. પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણીને ભારત આ દિશામાં કઈ રીતે આગળ વધી રહ્યું છે અને આવતીકાલનાં વિશ્વમાં એક અત્યંત મહત્વનો દેશ બની શકે છે, એનો રસપ્રદ ચિતાર આ પુસ્તકમાં વિદેશમંત્રીએ આપ્યો છે. Geo Politics – કોરોનાકાળ પછીના સમયમાં આ વિષય ઘણા લોકોના રસનું કેન્દ્ર બન્યો છે. વૈશ્વિક રાજકારણની ગતિવિધિઓ અંગે કુતુહલ ધરાવતા વાચકોને રસ પડે એવાં આ પુસ્તકનો રસાળ અનુવાદ રાજ ગોસ્વામીએ કર્યો છે.