૩૫ સર્જકોનું એક સહિયારું સાહસ… સંબંધોના સરનામાં (ટૂંકી વાર્તાઓ) સંપાદક: હર્ષા દલવાડી (તનુ)
પ્રસ્તાવના –
“જય મહાદેવ. "સંબંધોનાં સરનામાં" ટૂંકી વાર્તાઓનો સંગ્રહ, આકર્ષક મુખપૃષ્ઠ સાથે રજૂ કરીએ છીએ. ટૂંકી વાર્તામાં લખનાર સૌ લેખકોને ખૂબ ખૂબ ધન્યવાદ. આજનાં ડીજીટલ યુગમાં સાહિત્યની ઘણી સ્પર્ધાઓ, રચનાઓ ઉપલબ્ધ છે. વાંચકોને શિષ્ટ સાહિત્ય પીરસવું એ લેખકોની ફરજ બને છે. ટૂંકી વાર્તા લઈને અમારી ટીમ આવી છે. આ વાર્તાઓ શોપિઝન દ્વારા આપની સમક્ષ આવી રહી છે. જેનો અનહદ આનંદ છે. આ વાર્તાઓ ચીલાચાલુ નથી. દરેક લેખકે ઉત્કૃષ્ટ લખાણ આપ્યું છે. ક્યાંય પણ રુચિ ભંગ કે અશિષ્ટતા નથી. એ આ પુસ્તકની વિશેષતા છે. બહેન શ્રી હર્ષા દલવાડીની એક હાકલ પડતાં જ ત્રીસથી વધુ લેખકોએ પોતાની કલમનો આસ્વાદ રજુ કરી દીધો. દરેક વાર્તા તમને એક સુંદર બોધ સાથે રસપ્રદ રીતે કંઈક સમજાવી જાય છે. દરેક વાર્તા આપને જકડી રાખશે એમાં શંકા નથી. લેખકોને પસંદગીના વિષયો આપેલાં એ મુજબ દરેકે ઉત્તમ રચનાઓ કરી પુસ્તકને રસપ્રદ બનાવ્યું છે. તમામ લેખકોને હૃદયથી ધન્યવાદ. સંપાદકશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ પણ આપ સૌ સુંદર સાહિત્ય પીરસતા રહો એ અપેક્ષા. આ પુસ્તકને સરસ ઑપ આપી વાચકો સમક્ષ મૂકતાં ખૂબ ગૌરવ થાય છે. આ રીતે સરસ્વતી સાધના કરતાં રહીએ. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” - કલ્પનાબેન ત્રિવેદી, સુરેન્દ્રનગર
આભારવિધ –
“આપ સહુ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થોડા મહિના પહેલાં હર્ષાબેન દલવાડી 'તનુ'નાં મનમાં એક બીજ ઉગ્યું કે આપણે લેખકોને પોતાના શબ્દોનો જાદુ લોકો સામે પાથરવાં એક મંચ આપીએ. તેમણે લેખકો સમક્ષ એક વિચાર મૂક્યો અને તેમણે લેખકોને ૧.ભેટ, ૨.સમાજ, ૩.ઓળખાણ, ૪.દગો, ૫.સબંધ, ૬.સંજીવની આ છ વિષયોમાંથી લેખકો ગમતો વિષય આવરી લઇ પોતાની ગદ્ય રચના રચે, જેનો પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે. આ બીજને આપ સહુ જેવા કાબિલ લેખકોએ હર્ષાબેન સાથે જોડાઇ તેમના વિચારબીજને છોડનું સ્વરૂપ આપ્યું, અને આપ સહુ લેખકોએ એ છોડ આપ દ્વારા લખાયેલી ઉત્તમ રચનાઓનાં ફૂલોથી શણગાર્યુ. આ શણગારાયેલ પુસ્તકને નામ આપવામાં આવ્યું 'સબંધનાં સરનામાં'. આપની રચનાઓ દ્વારા જ આ પુસ્તક દરેક વ્યક્તિનાં હૃદયનાં સરનામે પહોંચી જશે. આપ સહુ મિત્રોએ આ પુસ્તક માટે આપની સુંદર રચનાઓ આપી તે માટે ફરી આપ સહુનો હૃદયપૂર્વક આભાર.” - મેઘલ ઉપાધ્યાય 'મેઘુ', રાજકોટ