ભારતીય ઉપખંડના શ્રેષ્ઠ આધુનિકયુગીન સર્જક કવિવ૨ ૨વીન્દ્રનાથ ઠાકુર એમના કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’ માટે તો નોબેલ પારિતોષિક પામ્યા, પરંતુ ‘ગીતાંજલિ’ જેવો જ એમનો ઉમદા કાવ્યસંગ્રહ ‘ધી ગાર્ડનર' (માળી) છે. અહીં જીવનવાટિકા પણ છે અને જીવનવાટિકાના માળી યાને ઈશ્વર પણ છે. પ્રેમ છે અને પ્રકૃતિપૂજા છે. ઘણું વૈવિધ્ય છે. આ કાવ્યસંગ્રહના પણ ‘ગીતાંજલિ’ની જેમ જ ગુજરાતીમાં એકાધિક અનુવાદ થયા છે. નવીનતમ મુક્તાનુવાદ આ પુસ્તકમાં છે. ઋજુ હૃદયના કવિ અને વૈષ્ણવજન જયંત જી. ગાંધી, ‘કુસુમાયુધ’ દ્વારા અહીં ‘ધી ગાર્ડનર’નાં ૮૫ કાવ્યોનો મુક્ત પદ્યાનુવાદ છે. બધાં જ કાવ્યો છંદોબદ્ધ છે. મૂળ કવિની ઉપરાંત ગુજરાતની કવિની ઊર્મિશીલતા પણ અહીં ભળી છે. કવિવરની કૃતિ અહીં વફાદાર પડઘો પામી છે. આ સંગ્રહ પ્રકાશિત કરવાની તૈયારીઓ ચાલતી હતી એ દરમિયાન જ ડિસેમ્બર 2014માં જયંતભાઈનું અવસાન થયું. એટલે આ પુસ્તક એમની શુભ યાદમાં અંજલિરૂપ બની રહે છે. એટલે કે અહીં બે કવિઓને અંજલિ છે – રવીન્દ્રનાથ ઠાકુરને અને જયંત જી. ગાંધી ‘કુસુમાયુધ’ને.