વિશ્વવિખ્યાત ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગૉગનું જીવન આલેખતી, અમેરિકન ચરિત્રકાર અરવિન્ગ સ્ટોને લખેલી કથા ‘લસ્ટ ફોર લાઈફ’ વિશ્વભરના વાચકોની પ્રિય કૃતિ છે. આ કૃતિ પરથી આ જ નામની ફિલ્મનું પણ નિર્માણ હોલીવૂડમાં થઈ ચૂક્યું છે. આ અદ્ભુત કૃતિને ગુજરાતીમાં ઊતારવાનું, અને એ રીતે વિન્સેન્ટ જેવા ચિત્રકારના જીવનનો સઘન પરિચય કરાવવાનું શ્રેય વિનોદ મેઘાણીને જાય છે.
ધર્મ અને પુરાણોને લગતાં લાખેક ચિત્રો આંખ તળેથી પસાર થઈ ગયા પછી અરવિન્ગ સ્ટોનને લાગ્યું કે ચિત્રકળા સરસ માધ્યમ હશે, પણ પોતાને માટે એમાં કશો સંદેશો નથી. વધુ ચિત્રો જોવાની તેમની હામ રહી નહોતી. એવામાં એક મિત્રના અત્યાગ્રહથી તેઓ વિન્સેન્ટનાં ચિત્રોનું પ્રદર્શન જોવા ગયા. તેમણે લખ્યું છે: ‘મેં જે અનુભવ્યું તેવું પહેલાં ક્યારેય અનુભવ્યું નહોતું. મૂઢ બનીને હું ઊભો જ રહી ગયો. વિચારવાની કે શ્વાસ લેવાની શક્તિ પણ ઓસરી ગઈ.’ આ અનુભવ પછી તેમને આ ચિત્રકારના જીવનમાં રસ પડ્યો અને તેમણે અનેક સ્રોત દ્વારા તેના વિશેની માહિતી એકઠી કરવા માંડી. અનેક પુસ્તકો, પ્રવાસો, મુલાકાતોના પરિપાક થકી લખાયેલી ‘લસ્ટ ફોર લાઈફ’નું પ્રકાશન 1934માં થયું.