ઘણા લાંબા અરસા બાદ મારી વધુ એક નવલકથા પ્રકાશિત થઈ રહી છે. છેલ્લે ૨૦૦૬માં મારાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. ત્યાર બાદ કેટલાક કારણોસર લેખન અને વાંચન બંને બંધ થઈ ગયું. વાંચી શકું કે લખી શકું એવી કોઈ પરિસ્થિતિ હતી નહીં! શિક્ષણમાં ઓતપ્રોત થઈ જવાનું બન્યું. સાહિત્ય મારાથી જોજનો દૂર ચાલ્યું ગયું. કોઈ સાહિત્યિક વાતાવરણ નહીં, ન કોઈ કલ્પના કે ન કોઈ વિચાર. માત્ર શાળા અને ઘર! આવી સ્થિતિમાં સર્જન કરવું ખૂબ કઠિન બની ગયું. લગભગ ૨૦૦૬થી ૨૦૧૮ સુધી આવી પરિસ્થિતિ રહી. પરંતુ ૨૦૧૮માં મહિસાગર સાહિત્ય સભા, લુણાવાડા દ્વારા એક કવિ સંમેલન યોજાયું હતું. આ કવિ સંમેલનમાં ઉપસ્થિત રહેવા વોટ્સઅપ દ્વારા જાહેર આમંત્રણ મળ્યું. આ કવિ સંમેલનમાં પદ્મશ્રી ડૉ. પ્રવિણ દરજી, ડૉ. મણિલાલ હ. પટેલ, ગઝલકાર સ્વ. ખલીલ ધનતેજવી, કવિ શ્રી રમેશ ઠક્કર, ડૉ. રાજેશ વણકર, કવિ વિનુ બામણીયા, કવિ નરેન્દ્ર જોષી વગેરે સર્જકો દ્વારા સાહિત્યિક વાતાવરણ મળ્યું. એક નવું ભાવવિશ્વ મળ્યું. આ સંમેલનમાં જાણીતા વાર્તાકાર, કવિ ડૉ. રાજેશ વણકર તથા કવિ વિનુ બામણીયાનો પરિચય થયો. સાહિત્યની વાર્તા થઈ સાહિત્ય હૂંફ મળી. કંઈક લખો માર્મિક ટકોર થઈ, ”પરિવેશ’’ સામાયિકમાં ‘પ્રિયસખી’ વાર્તા પ્રકાશિત થઈ પછી ગોધરા ખાતે એક કવિ સંમેલનનું આયોજન થયું એમાં કવિ તરીકે ઉપસ્થિત થવાનું સૌભાગ્ય મળ્યું. આ કવિ સંમેલનમાં ૨૧ કવિઓ ઉપસ્થિત હતા. એમાં મારી કેટલીક રચનાઓ રજૂ કરી, ફરી લખવા માટે પ્રેરણા મળી. ૨૦૧૯ કોરોના કાળ દરમ્યાન આ નવલકથા લખાયેલી પણ એમાં ક્યાંય કોરોનાકાળની અસર નથી. આ નવલકથામાં એવી કોઈ પ્રેમકથા નથી. કોઈ સંઘર્ષકથા નથી. આ નવલકથામાં લાગણીભર્યા સંબંધોની વાત છે. ગ્રામ્ય પરિવેશમાં લખાયેલી આ નવલકથામાં ગ્રામ્ય જીવનના પાત્રો અને એમની વચ્ચે બંધાતા લાગણીભીના સંબંધો છે. આ કથાના પાત્રોમાં રાગિણી, ભગીરથ, સુરેખા, કાળુભાઈ, રેવા, મંગળ, સવિતા વગેરે પાત્રો વચ્ચે નવલકથા ગૂંથાય છે. આ પાત્રો આપના પોતીકા હોય એવો અહેસાસ થાય છે.