કૃષ્ણ ઉપરના કાવ્યોનો બીજો સંગ્રહ ‘મન, મીરાં થઈને નાચ’ આપ સૌના હાથમાં મૂકતા આનંદ અનુભવું છું. કૃષ્ણ મારું પ્રિય પાત્ર, તેના પ્રત્યેના સઘળા અહેસાસને મેં કાવ્ય રૂપે ઠાલવવા પ્રયત્ન કર્યો છે. મીરાંથી અને તેની કૃષ્ણ ભક્તિ અને લગનથી હું પ્રભાવિત છું. મનમાં ઘણી વાર એવું થયું છે કે, ‘કાશ, હું મીરાં થાઉં!’ પણ મીરાં તો અનન્ય છે. તેનો કૃષ્ણપ્રેમ અને પ્રેમ લક્ષણાભક્તિ હું ક્યાંથી મારામાં લાવી શકું? પણ કલ્પના તો કરી શકું ને? એ કલ્પનાના ફળસ્વરૂપ સૂઝેલાં કાવ્યો આ કાવ્યસંગ્રહમાં સમાવ્યાં છે. ફેસબુક અને વ્હોટ્સએપ જેવા સામાજિક માધ્યમને કારણે મારા કાવ્ય વાચકગણ સુધી સરળતાથી પહોંચ્યા છે અને તે સૌના પ્રતિભાવ અને પ્રોત્સાહનને કારણે નવાં કાવ્યો લખવાની પ્રેરણા મળી છે. સૌ પ્રથમ ગાયત્રી માતા અને કૃષ્ણ ભગવાનનો આભાર જેમણે કલમ હાથમાં પકડાવી, માતાપિતાના આશીર્વાદ સતત સાથે છે, સૌ પરિવારજનો અને સૌ સ્નેહીજનોનો આભાર જેમનું પ્રોત્સાહન મળતું રહ્યું. આ પુસ્તક પ્રકાશિત કરવા માટે સ્પર્શ હાર્દિક તથા શોપિઝન ટીમનો આભાર. અસ્તુ! - લતા ભટ્ટ