“નામ વગરનાં સંબંધો – આ મારો પહેલો વાર્તા સંગ્રહ છે, જે આપ વાચકો સમક્ષ મૂકતાં અપાર આનંદ થાય છે. મને આશા છે કે, સંગ્રહની વાર્તાઓ તમને જરૂર માણવી ગમશે. મારી વાર્તાઓમાં મેં સ્ત્રીના મનોભાવોને આલેખવાનો પ્રયત્ન કર્યો છે. આ વાર્તા સંગ્રહમાં સામાજિક અને સ્ત્રીવિષયક વાર્તાઓ છે. ગામડામાં રહું છું, એટલે અહિયાં રહેતી સ્ત્રીઓની વાતો, અનુભવોની છાપ મારા લેખનમાં ક્યાંકને ક્યાંક ઉપસી આવે છે. આમતો એવું કહી શકાય કે ટૂંકીવાર્તા એ ક્ષણિક વીજળીનાં ચમકારાની વાત છે. પરંતુ એ ક્ષણભરનો ચમકારો પણ આખા જીવનને બદલી નાંખવાની તાકાત ધરાવતું હોય છે. મારા કિસ્સામાં પણ આવું જ કંઇક બન્યું. વાર્તાઓ, નવલકથાઓ વાંચવાનો શોખ તો શાળા સમયથી જ હતો. નવરાશની પળોમાં છાપાની વિવિધ પૂર્તીઓને સાવ નીચોવી નાંખતી. લગ્ન પછી આ શોખ છૂટી જ ગયો હોય એવું લાગતું. બાળકો, ઘર, અને કુટુંબ સાચવવામાં ક્યાંકને ક્યાંક મારામાં રહેલી હું સાવ ખોવાઈ જ ગઈ. બાળકો મોટા થાય અને ફરી પાછી નવરાશની પળો મળવા લાગી. એક દિવસ અનાયાસે જ ઢળતી સંધ્યાને માણવાનું મન થઈ આવ્યું. અને અગાશીની પાળીએ જઈને બેસી ગઈ. મારું ગામ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. એટલે પ્રકૃતિની એકદમ નજીક હોવાનો આનંદ પણ એટલો જ છે. સોળે કળાએ ખીલેલી સંધ્યા, ચોમાસાની ઋતુમાં હરિયાળા ખેતરો, અને ઘરની નજીક આવેલું ચરિયાણ! એકાએક જાણે વર્ષોથી સુતેલી ઈચ્છા આળસ મરડીને બેઠી થઈ આવી. શરૂઆતનાં સમયમાં તકલીફ ખૂબ પડી. મનમાં ઉઠેલા આવેગને કાગળ ઉપર કંડારવા એટલા પણ સહેલાં નથી હોતાં. મનમાં શબ્દો ઓછા હતા પરંતુ વાતો ઘણી હતી. છતાં પણ ઓછા અભ્યાસના કારણે લેખનમાં પડતી અઢળક ભૂલોને સુધારવા આ ક્ષેત્રે ઘણાં ગુરુજનો પણ મળ્યા. આપ સૌ વાચકમિત્રો સ્નેહપૂર્વક મારી વાર્તાઓને વધાવશો એવી અપેક્ષા સહ આભાર!” - દિવ્યા જાદવ