નામ જેવા ગુણ ધરાવનાર શ્રી ઘનશ્યામ વ્યાસની સાહિત્યની સર્જનાત્મક સફરને વંદન. વર્ષો પહેલાં જ્યારે અમેરિકામાં સાહિત્યની એક બેઠકમાં તેમની સાથે મારી મુલાકાત થઈ હતી ત્યારે હું તેમની આ પ્રતિભાથી અજાણ હતી. ધીમે ધીમે સંપર્ક વધતો ગયો. તેઓએ મારા પર બેઠકમાં અને હમણાં મારા જન્મ દિવસ પર એમ બે કવિતા લખી છે. શીઘ્ર કવિના તમામ ગુણ તેમનામાં જોવા મળતા. કોરોનાકાળમાં ચાર માસની લાંબી માંદગીમાં તેમને પુનર્જન્મ મળ્યો. ઉંમરની ઔષધી તેમને મળી ગઈ. શ્યામ સાથે તાદાત્મ્યતા સાધી. “શબ્દોનો સનેપાત” થયો. કોરોનાકાળ તેમના માટે આશીર્વાદરૂપ બની ગયો. અર્ધજાગ્રત અવસ્થામાં આ કવિ હૃદયે ૧૫૦ કવિતા લખી નાંખી. તેમની અંદરની લાગણીઓ અને શ્યામ માટેની પ્રાર્થનાએ દેહ ધારણ કર્યો. અંતે સર્જાયું કવિતાનું ઉપવન! ઘેઘૂર ઘનશ્યામે કવિતાનો અનરાધાર વરસાદ કર્યો. તેમની કવિતાના ખોળિયાના વિષયની ક્ષિતિજ વિસ્તરતી ગઈ. ઉજાસના તાળા ખુલવા લાગ્યા. ક્ષિતિજને પેલે પાર કવિતા પ્રાર્થના થકી પહોંચી. આ કવિની કલ્પનાએ કોઈ વિષય બાકી રાખ્યો નહીં. અનેક કમાડ ખોલીને તેમની પ્રાર્થના વિશ્વચેતનામાં ભળતી ગઈ. જેનો લાભ અનેક સાહિત્ય રસિકને મળી રહ્યો છે.ઘનશ્યામ વ્યાસને મારી હૃદય પૂર્વકની શુભેચ્છા. આ પુસ્તક વાચકને જીવનમાં જરૂરથી દીવાદાંડીરૂપ બની રહેશે. ગુજરાતી સાહિત્યની તમારી આ સેવાની આવનાર પેઢી જરૂરથી નોંધ લેશે. - કલ્પના રઘુ (કૉલમિસ્ટ), કૅલિફોર્નિયા