ફિલ્મ રિવ્યૂઃ પહેલા ભાગ જેટલી રોમાંચક નહીં, છતાં 'અંત ભલા તો સબ ભલા' સાર્થક કરતી ‘દૃશ્યમ ૨’
૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ધૂંઆધાર-ધમાકેદાર થ્રિલર હતી. એની વાર્તા કંઈક એવી હતી કે, ગોવાવાસી વિજય સલગાંવકર(અજય દેવગન)ની ટીનેજ દીકરી અંજુ(ઈશિતા દત્તા) પોતાના લંપટ સહપાઠી સમીરની આકસ્મિક હત્યા કરી બેસે છે. દીકરીને કાયદાની પકડમાંથી બચાવવા માટે બાપ સમીરની લાશ ક્યાંક દાટી દે છે. પોલીસ તપાસ થાય છે. વિજય ઉપરાંત સલગાંવકર પરિવારની મહિલાઓને પણ ટૉર્ચર કરવામાં આવે છે. છતાં વિજયના જડબેસલાક પ્લાનિંગને ફોલો કરતું ફેમિલી સત્ય પર સતત ઢાંકપિછોડો કરતું રહે છે. પોલીસ ડિપાર્ટમેન્ટના ખૂબ બધા ધમપછાડા પછી પણ વિજય સલગાંવકર અને એનો પરિવાર કાયદાની ચુંગાલમાં સપડાવાથી બચી જાય છે. ફિલ્મને અંતે દેખાડવામાં આવે છે કે ખરેખર વિજયભાઉએ ક્યાં, ક્યારે, કઈ રીતે લાશને ઠેકાણે પાડી હતી. કટ ટુ ‘દૃશ્યમ ૨’…
‘દૃશ્યમ ૨’માં સાત વર્ષ બાદ સમીરનો કેસ ફરીથી ખુલે છે. ફરીથી પોલીસના ખાંખાખોળા અને ફરીથી સલગાંવકર ફેમિલીની હેરાનગતી શરૂ થાય છે. આ વખતે તપાસની જવાબદારી સમીરની માતા, ભૂતપૂર્વ આઇ.જી., મીરા દેશમુખ(તબુ)ને બદલે નવા આઇ.જી. તરુણ અહલાવત(અક્ષય ખન્ના)ને ભાગે આવે છે. વિજય સલગાવકંરની લાખ કોશિશો છતાં પોલીસ સમીરની લાશના અવશેષ શોધી કાઢે છે અને પછી…
આગળ શું થાય છે એ જાણવા જોવું રહ્યું આ રહસ્યરંગી થ્રિલર ‘દૃશ્યમ ૨’.
‘દૃશ્યમ’ પહેલા જ સીનથી દર્શકોને જકડી લે એવી હતી, અને છેક સુધી હલવા ન દે એટલી ચુસ્ત હતી. ‘દૃશ્યમ ૨’ એવી નથી. સારી શરુઆત બાદ આ ફિલ્મ ઢીલી પડે છે, ક્યારેક કંટાળો પણ આવે છે, અમુક દૃશ્યો બિનજરૂરી પણ લાગે છે. પણ આ ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે એનું સસ્પેન્સ. છેલ્લી ૨૦ મિનિટમાં ફિલ્મમાં જે રહસ્યસ્ફોટ થાય છે એ આ ફિલ્મને એક અલગ જ ઊંચાઈ પર લઈ જઈને મૂકી દે છે. ભઈ, વાહ! પોકારાવી દે એવો તાલીમાર, સીટીમાર ક્લાઇમેક્સ..! એકંદરે એવરેજ ફિલ્મ એના અંતને લીધે મુઠ્ઠી ઊંચેરી સાબિત થાય છે.
અભિનયમાં અજય દેવગન જડબેસલાક! એકદમ સટલ, કન્ટ્રોલ્ડ, રિસ્ટ્રેઇન્ડ પરફોર્મન્સ. ન કમ, ન જ્યાદા. ભાઈ દાઢીમાં લાગે છે પણ હેન્ડસમ. એની પત્ની નંદિનીની ભૂમિકામાં શ્રિયા સરન પણ પહેલા ભાગમાં હતી એટલી જ સારી. સબ-ઇન્સ્પેક્ટર ગોડબોલેના રોલમાં કમલેશ સાવંતનું કામ સરસ, ક્યાંક-ક્યાંક હસાવી જાય એવું. મોટાભાગના સહાયક કલાકારો પાત્રોચિત. તબુ જેવી ધરખમ અદાકારા હોય તો અપેક્ષા વધી જાય, એની હાજરીને લીધે ફિલ્મનું વજન વધે. ‘દૃશ્યમ’માં એ અફલાતૂન હતી; અહીં એ નિરાશ કરે છે. એનો રોલ જ એટલો લાંબો નથી કે કંઈ ખાસ કરી શકાય. કેસની તપાસની જવાબદારી નવા ઓફિસર અક્ષય ખન્નાને માથે આવી જતી હોવાથી પણ તબુનું પાત્ર વેતરાઈ ગયું છે. જોકે, ખન્નોય કંઈ ઝાઝા કાંદા નથી કાઢી શક્યો. સ્ટાઈલો તો બહુ મારી છે એણે, પણ એની એન્ટ્રી વખતે એના શાતિર દિમાગ વિશે જે ટેમ્પો જમાવ્યો છે એવું કંઈ કરતાં કંઈ જ કરવાનું એના પાત્રને ફાળે આવતું નથી. તબુની જેમ ખન્નાની ટેલેન્ટ પણ આ ફિલ્મમાં વેડફાઈ જ છે. એવું જ વિજયની દીકરી બનનાર બંને અભિનેત્રીઓ બાબતે કહેવું પડે. એમનેય પહેલા ભાગ જેવી તક અહીં નથી મળી.
‘દૃશ્યમ ૨’ના ટેકનિકલ પાસાં વિશે કંઈ કહેવાપણું નથી. છબીકલા (સિનેમેટોગ્રાફી) અને પાર્શ્વ સંગીત (બેકગ્રાઉન્ડ મ્યુઝિક) આંખ-કાનને જલસો કરાવે એવાં. કચકડે કંડારાયેલી ગોવાની સુંદરતા… આહા..! ફિલ્મના અમુક સંવાદ (ડાયલોગ્સ) ચોટદાર છે. જેમ કે, ‘સચ પેડ કે બીજ કી તરહ હોતા હૈ, જિતના દફના લો, એક દિન બાહર આ હી જાતા હૈ…’ ફિલ્મમાં ફક્ત ત્રણ ગીતો છે જે પૈકી ટાઇટલ ટ્રેક ‘દૃશ્યમ’ ગમ્યું. ઘણાં વખતે લેજેન્ડરી ગાયિકા ઉષા ઉત્થુપનો ‘મર્દાના’ કંઠ સાંભળવાનો લ્હાવો મળ્યો, એનો વિશેષ આનંદ!
‘દૃશ્યમ’ મૂળ તો ધ ગ્રેટ મોહનલાલ સ્ટારર મલયાલમ ફિલ્મ ‘દૃશ્યમ’ની રિમેક હતી. ‘દૃશ્યમ ૨’ પણ મલયાલમ ‘દૃશ્યમ ૨’ની રિમેક જ છે. મલયાલમ ફિલ્મના લેખક-નિર્દેશક જીતુ જોસેફ હતા. હિન્દી ‘દૃશ્યમ’ના નિર્દેશક નિશિકાંત કામતના અવસાનને લીધે હિન્દી ‘દૃશ્યમ ૨’ના નિર્દેશનની ડોર આવી છે અભિષેક પાઠનના હાથમાં. અભિષેકભાઈનું કામ કામત સર જેટલું ઉત્તમ તો નથી, તોય સારું કહી શકાય એમ છે. એડિટિંગ વધુ ચુસ્ત થઈ શક્યું હોત. કહાનીમાં ઓહ-વાઉ થઈ જવાય એવા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ તો આવતાં રહે છે, પણ ‘દૃશ્યમ ૨’માં ‘દૃશ્યમ’માં હતું એ લેવલનું ટેન્શન નથી સર્જાતું. ઝીણું કાંતવા બેસો તો ‘દૃશ્યમ ૨’ના પ્લોટમાં ખૂબ બધી પોલંપોલ છે. દિમાગ દોડાવો તો ‘આટલાથી જ ચાલી જતું હતું તો અગાઉ કરેલી આટલી બધી તામઝામ, પ્લાનિંગ-પ્લોટિંગની જરૂર શું હતી?’ એવો પ્રશ્ન દર્શકરાજાને થઈ શકે, પણ એ બધું તો સિનેમેટિક લિબર્ટીને નામે ચલાવી લેવાય એવું છે. સારી થ્રિલર જોયાનો સંતોષ મળે એટલું બસ. અને એ અહીં મળે છે. છેલ્લી ૨૦ મિનિટ દર્શકોની અપેક્ષા પૂરી કરવામાં સો ટકા સફળ થાય છે.
મોટાભાગની સિક્વલો મૂળ ફિલ્મ જેટલી દમદાર નથી હોતી, કેમ કે દર્શકોની અપેક્ષાઓ અધધધ ઊંચી હોય છે. કોઈક જ ‘બાહુબલી ૨’ કે પછી કોઈક જ ‘ધૂમ ૨’ મૂળ ફિલ્મને અતિક્રમી જાય એટલી મનોરંજક હોય છે. ‘દૃશ્યમ ૨’ પણ ‘દૃશ્યમ’ જેટલી ઝન્નાટેદાર તો નથી જ. તો પછી? જોવાય કે નહીં? અફ કોર્સ જોવાય જ. ફેમિલી સાથે જોવા જવા જેવી આ સાફસુથરી થ્રિલરને મારા તરફથી પાંચમાંથી... આપવા તો ત્રણ જ સ્ટાર્સ હતા, પણ છેલ્લી વીસ મિનિટ… ઉફ્ફ..! મજબૂર કરી દે છે એક એક્સ્ટ્રા સ્ટાર આપવા માટે. પૂરે ચાર સ્ટાર્સ!!!
ફિલ્મ રિવ્યૂઃ પહેલા ભાગ જેટલી રોમાંચક નહીં, છતાં 'અંત ભલા તો સબ ભલા' સાર્થક કરતી ‘દૃશ્યમ ૨’
૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દૃશ્યમ’ ધૂંઆધાર-ધમાકેદાર થ્રિલર હતી. એની વાર્તા કંઈક એવી હતી કે, ગોવાવાસી વિજય સલગાંવકર(અજય દેવગન)ની ટીનેજ દીકરી...Read more