નાનપણથી જ મામાના ઘેર ઉછેર થયો. "મા" (નાની)ના હૂંફાળા પ્રેમની છત્રછાયામાં ઉછેર થયો. નાની, જેમને પ્યારથી "મા" કહી બોલાવતો, એમણે હંમેશાં બહુ જ પ્રેમ આપ્યો હતો. એ હરરોજ વહેલી સવારે ઊઠીને ભગવાનનું ભજન કરતાં કરતાં દહીં વલોવી, માખણ બનાવી મને એક વાટકો માખણ આપતાં. ત્યારે એવું લાગતું કે જાણે મા યશોદા ભગવાન કૃષ્ણને ખવડાવી રહ્યા હોય. નાનીને ગયે વર્ષો વિતી ગયાં, પરંતુ એમની પ્રેમાળ છબિ આજે પણ મારાં હૃદયમાં એમ જ અંકાયેલી છે. જાણે આજે પણ મારી સાથે વાતો કરે છે. નાનીએ જે શીખવ્યું એને કારણે જ મને કુદરત સાથે અપાર પ્રેમ છે. પ્રકૃતિ સાથે એકમેક થતો ગયો ને અનાયાસ જ કવિતાઓનું સર્જન થતું ગયું. જીવનની પહેલી કવિતા જ્યારે દીકરીનો જન્મ થયો ત્યારે લખી. હંમેશાં મારી દીકરીએ દુઃખમાં મને સંભાળી લીધો છે. એના પ્રેમાળ ચહેરાની તરફ જોતાં મારો થાક ઊતરી જાય છે. મારું આ પ્રથમ પુસ્તક મારી દીકરીને સમર્પિત કરવા ચાહું છું.