તા. ૨૧-૦૯-૧૯૯૫ના દિવસે દેશભરમાં એવા ચમત્કારની વાત ફેલાઈ ગઈ હતી કે મંદિરોમાં ગણપતિબાપા દૂધ પીવા લાગ્યા છે. કથાનો નાયક ગૌરવ સ્વતંત્ર વિચારો ધરાવતો એક શિક્ષક છે જેણે આ ચમત્કારની વાતને અફવા માની અને સમાચાર માધ્યમો સમક્ષ પોતાના વિચારો વ્યકત કર્યાં. કેટલાય લોકોને ગૌરવનું એવું વર્તન ન ગમ્યું. પરિણામે ગૌરવના જીવનમાં નવા સંઘર્ષની શરૂઆત થઈ. એને અવનવા અનુભવો થયા, એ સમાજ સાથે જોડાતો ગયો અને ઘડાતો ગયો. એની કારકિર્દીમાં પણ અણધાર્યા વળાંક આવ્યા. ગૌરવને સંઘર્ષમાં રાહત આપનારા લોકો મળ્યા તો તકલીફો વધારનારા લોકો પણ મળ્યા. ગૌરવે પણ એની આસપાસના લોકોને જીવનમાં રાહત મળે એવા પ્રયાસો પણ કર્યાં. આ એના આ એના સંઘર્ષની કથા છે. કથામાં, ૧૯૯૫થી ૧૯૯૭ના સમયગાળામાં ગુજરાતમાં જે સામાજિક પરિવર્તનો આવ્યાં એની ઝલક દર્શાવવાનો પ્રયાસ પણ કર્યો છે. સમગ્ર કથા વાસ્તવિકતા અને કલ્પના બંને પર આધારિત છે. કથાનાં પાત્રો કાલ્પનિક છે. નવલકથામાંથી કેટલાક અંશો... ગૌરવનું મગજ ફાટફાટ થવા લાગ્યું : આટલી બધી અંધશ્રદ્ધા! શ્રદ્ધાના નામે ગણપતિબાપાની આવી મજાક! આવા તમાશા! ભગવાન છે એની સાબિતી માટે ચમત્કારોના ખેલ કરવા પડે! આ કહેવાતા ભકતોમાં નથી શ્રદ્ધા કે નથી અક્કલ. આ કઈ જાતની પ્રજા છે? જો એ ભગવાન પર શ્રદ્ધા ધરાવતી હોય તો એને ચમત્કારની જરૂર જ કેમ પડે? આ પ્રજા ખરેખર તો ધાર્મિક નથી, દંભી છે દંભી. ભગવાન પર ખરી શ્રદ્ધા હોય તો ચમત્કારના નામે તમાશા ન કરાય. આ પ્રજાને સાચુ કહેનારું કોઈ છે જ નહિ. ઘડિયાળના કાંટા ઊલટા ફરી રહ્યા છે. સર્કસમાં હોય એવાં આ દૃશ્યો છે આપણી સંસ્કારનગરીના એક છેડે આવેલા વિસ્તારનાં, જે ‘ગોવિંદપુર’ તરીકે ઓળખાય છે. આમ તો આ વિસ્તાર સંસ્કારનગરીનો જ એક ભાગ છે. આ વિસ્તારમાથી કેટલાય લોકો સંસ્કારનગરીના વિકાસ માટે એમનું યોગદાન આપે છે, પરંતુ સરકારી તંત્રએ એની ઘોર ઉપેક્ષા કરી છે. ઉપેક્ષા તો તમામ રાજકીય પક્ષોએ પણ કરી છે. એની સાબિતી આપતું આ પુલ વગરનું નાળું જોઈ લો અને ભૂંગળા પરથી આવજા કરતી લાચાર પ્રજા જોઈ લો. જોઈ લો સ્કૂલે આવવા માટે જીવના જોખમે નાળું પાર કરતાં બાળકો! જોઈ લો રોજીરોટી માટે નજીકના ગામડેથી આવતી આપણી માબહેનો! આ બાળકો અને આ માબહેનો વરસોથી આવી તકલીફો વેઠે છે ને કોઈ કહેતા કોઈને એ ધ્યાનમાં નથી આવતું? લાગતાવળગતા અધિકારીઓને આ નાળા વિશે જાણકારી નથી? લાખો રૂપિયા વાપરીને ‘ગાંધી ઓવરબ્રિજ’ જેવા કેટલાય ઓવરબ્રિજ બનાવનારા તંત્ર માટે ત્રીસેક ફૂટનો પુલ બનાવાવો એ બહુ મોટી વાત છે? રાજકીય નેતાઓ ક્યારેય આ તરફ મત માગવા આવ્યા જ નહિ હોય. કદાચ, એમની મતબેંકમાં આ વિસ્તારનો સમાવેશ નહિ થતો હોય. કદાચ, અધિકારીઓ અને નેતાઓ રાહ જોઈ રહ્યા છે એકાદ દુર્ઘટના ઘટે એની. સનસનાટી મચી જાય એની. કોઈના લાડકવાયા સંતાનનો ભોગ લેવાય એની. ઘરેથી મજૂરીએ ગયેલી કોઈની વહાલી મા લાશ બનીને પાછી ફરે એની. સંસ્કારનગરીના સામાજિક કાર્યકરો, સંતોષનગરનું આ નાળું તમને બોલાવે છે. આવો એકાદ નજર નાખવા. વાચકોને મારી આ નવલકથા ગમશે એવી આશા છે.