કલિયુગમાં શનિ ગ્રહનું મહત્વ સવિશેષ છે. શનિ ગ્રહ દરેકની કુંડળીમાં હોય. દરેક માણસ અઢી વર્ષની તેમ જ સાડા સાત વર્ષની પનોતી ભોગવે જ, વળી જો જીવન સામાન્ય લંબાઈનું હોય તો એક કરતાં વધુ વાર એ પનોતીઓ પધારે. એ સિવાય શનિ ગ્રહની મહાદશા હોય, કુંડળીમાં શનિ મહારાજ ક્યાં છે, ક્યાં જુએ છે તે પણ મહત્વનું. શનિ ગ્રહ જીવના અગાઉના કર્મ મુજબ ફળ રૂપે સુખ અને દુઃખનો અનુભવ આપે કે પછી સુખ અને દુઃખના અનુભવ દરમિયાન કેવા અભિગમ અને સાધ્ય સાથે કેવું કર્મ કરવું એ માર્ગ કે મોકો આપે. પ્રસ્તુત "શનિ માહાત્મ્ય" એક સમયમાં ગુજરાતીમાં જાણીતી હતી એ વ્રતકથાનું વિસ્તૃત અને નવતર રૂપ છે, જેમાં અન્ય ગ્રહોની કથા પણ છે. શનિ ગ્રહ સંબંધિત અન્ય નાની કથાઓ પણ ચલણમાં છે, જેમાંથી ઘણી આ પુસ્તકમાં રજૂ કરેલી છે. "શનિ માહાત્મ્ય" શનિ મહારાજ નારાજ હોય તો તેમને પ્રસન્ન કરવાનો અને પ્રસન્ન હોય તો એમનો આભાર માનીને પ્રસન્ન રાખવાનો એક ઉપાય છે. સમગ્ર "શનિ માહાત્મ્ય" ધર્મ, આધ્યાત્મિકતા, જ્યોતિષ જેવાં ક્ષેત્રને સ્પર્શે છે, સાથે રાજા વિક્રમાદિત્યના પ્રતીક વડે એક કઠિન સંઘર્ષ ભોગવતા મનુષ્યની વેદના સમજીને સંઘર્ષમાં યોગ્ય રીતે જીવવા અને તેમાંથી બરાબર બહાર નીકળવા પર ધ્યાન આપે છે.