અમદાવાદ વાર્તા વર્તુળની સ્થાપના ચૌદઓક્ટોબર 2019માં થઈ હતી. લોકડાઉનના સમયમાં શું કરવું? એવો વિચાર બધાને આવતો હશે. અમને લેખકોને પણ થાય, કે હવે બધાં સાહિત્યના કાર્યક્રમો બંધ. હવે તો ઘેર બેઠાં વાંચવા-લખવાનું. એ પણ કેટલા દિવસ સુધી ચાલે? એકની એક પ્રવૃત્તિથી માણસને કંટાળો તો આવે જ. આવા સમયે અમને એક વિચાર આવ્યો. બધાં લેખકોને જોડવાનો. અમારો આ વિચાર ગ્રૂપના લેખક મિત્રોએ વધાવી લીધો. લોકડાઉન સમયે ઓનલાઈન વાર્તાની વર્કશોપ, બાવીસ માર્ચથી અમે શરૂ કરી. અમે બધાં લેખકોએ ‘લોકડાઉન’ના સમયનો સર્જનાત્મક ઉપયોગ કર્યો છે. કોરોનાની મહામારી આખા વિશ્વમાં વ્યાપી હતી. કોરોનાએ સમગ્ર વિશ્વને ડરાવી દીધું હતું. લેખકો અને સર્જકો પણ તેમાંથી બાકાત ન હતાં. લેખકોના મનમાં કોરોનાનો આક્રોશ, દુખ, સંવેદના, હતાશા વગેરે સંવેગો ભરાઈને બેઠાં હતાં. જેમની અભિવ્યક્તિને વાચા મળે તે માટે અમે ‘કોરોના’ વિષય ઉપર વાર્તા લખવાનો સ્પેશિયલ ટાસ્ક આપ્યો હતો. જેમાંથી નીપજેલી વાર્તાઓનો સંગ્રહ એટલે,‘કોરોના કથાઓ.’આ સંગ્રહ આપની સમક્ષ મૂકતાં અમને આનંદ થાય છે. અમારા આ વાર્તા સંગ્રહ માટે ઉમંગભાઇ ચાવડા અને નિમિષા દલાલે અંગત રસ લઈને વાર્તા સંગ્રહ પ્રકાશિત કર્યો છે, તે બદલ અમે તેમના આભારી છીએ.
સંપાદકો: દીવાનઠાકોર (પરામર્શક), મનહરઓઝા (સંયોજક)