કવિતા મારો પ્રથમ પ્રેમ છે અને લેખનની શરૂઆત એનાથી જ થયેલી. અંગત ડાયરી કાવ્યોથી ભરી હોવા છતાં મારી સાહિત્યયાત્રાની શરૂઆત 1998થી અને ગદ્યથી થઈ હતી. આજે હું અનેક વાર્તાકારો કે ગદ્યસાહિત્યના પ્રતિષ્ઠિત લોકો વિશે જે વાંચું છું, જાણું છું, એમાં એ મળી આવે છે કે શરૂઆતમાં એમણે કાવ્યો લખ્યાં હતાં, પછી તેઓ ગદ્ય તરફ વળ્યાં. કાવ્યની સર્વોપરીતા સ્વયંસિદ્ધ છે. કવિતા, કવિતાની આસપાસ જીવવું એટલું જ ગમે. કાવ્યાસ્વાદો લખવાની પ્રવૃત્તિ પણ એમાં જ શરૂ થઈ. 2011થી 2021 દરમિયાન ‘કાવ્યસેતુ’ કૉલમને કારણે કેટકેટલાં કવિઓની કાવ્યસૃષ્ટિનો પરિચય થયો! આ પુસ્તકમાં બધા જ આસ્વાદલેખોનો સમાવેશ નથી થઈ શક્યો. શક્ય પણ નથી. ‘કાવ્યસેતુ’ના આસ્વાદલેખોની સંખ્યા લગભગ 450 જેટલી છે. વચ્ચે ‘નવચેતન’માં પણ ‘ઉજાસ’ કૉલમમાં એક વર્ષ કાવ્યાસ્વાદો લખ્યા. આ પુસ્તકમાં મોટાભાગના લેખો ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થયેલા જ લીધા છે, ત્રણેક ‘નવચેતન’ના છે.