વીરેન્દ્ર અભિનેતા બનવાનું શમણું આંખમાં આંજીને મુંબઈમાં પ્રવેશે છે અને શરૂ થાય છે અજબગજબ ઘટનાઓ. શું તે એમાંથી બહાર નીકળી શકશે? શું તે ફિલ્મના પડદે ચમકશે? શું તે નવા પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે? ૧૯૭૦-૮૦ના દાયકાનું મુંબઈ, ગુનાખોરીનું જગત અને ફિલ્મ લાઇનની ચમકદમકના ભંવરમાં અટવાયેલાં પાત્રોથી સજ્જ, છેવટ સુધી આટાપાટા રમાડતી આ નવલકથા વાચકોને પસંદ પડશે એવી આશા. --- ટ્રેનની ગતિ થોડી ધીમી થઈ. વિચારમાં ખોવાયેલા વિરેન્દ્રને લાગ્યું કે કોઈ સ્ટેશન આવતું લાગે છે. પણ તે તેનો ભ્રમ હતો. ટ્રેને ફરી ગતિ પકડી. હા, બારીમાંથી જોતા લાગ્યું કે કોઈ નાનું એવું સ્ટેશન હતું પણ બોર્ડ વંચાયું નહીં. તેની ઉંઘ તો જાણે ઉડી ગઈ હતી. તેને ચિંતા થઈ ઉંઘ નહીં આવે તો આવતીકાલે બહુ તકલીફ થશે. તેણે ફરી આંખો બંધ કરી સૂવાનો પ્રયત્ન કર્યો તે પહેલાં ચારેબાજુ નજર ફેરવી જોયું તો સૌ યાત્રિકો આરામથી ઉંઘી રહ્યા હતા. તેને લાગ્યું કે તેઓના ધ્યેય નક્કી હશે. અહીં મારા જેવો કોઈ આવતીકાલ માટે અનિશ્ચિત નહીં હોય. મનમાં હસવું આવ્યું સાથે માનો ઉદાસ અને દુઃખી ચહેરો યાદ આવ્યો. તેણે મારી ચિઠ્ઠી વાંચી કેવો વલોપાત કર્યો હશે? અને પપ્પા? એને કદાચ ક્ષોભ થતો હશે કે મેં વિરેન્દ્રની વાત માની લીધી હોત તો સારું હતું. વીરુ મનમાં વિચારતો રહ્યો કે છેલ્લા છ મહિનાથી હું પપ્પાને સમજાવતો હતો કે મને જવાદો પણ એ માને? તેને છ મહિના પહેલાંની એ સાંજ યાદ આવી કે જ્યારે મારા બર્થડેની કેક કાપી હતી. સૌ ઘરના જ સભ્યો હતા. મમ્મી-પપ્પા અને કાકા-કાકી અને થોડા અંગત સબંધીઓ મિત્રો. જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે પપ્પાએ મને શાનદાર ગિફ્ટ આપતા કહ્યું, "બોલ બીજું શું જોઈએ તારે?” તેને આનંદમાં જોઈ મારાથી કહેવાઈ ગયું. "પપ્પા મારે ફિલ્મ લાઈન પકડવી છે જો આપ રજા આપો તો." પપ્પા તો ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, "સારી જોક્સ, પણ તને તારા આકર્ષક શરીર પર પર્સનાલિટી પર વિશ્વાસ હોય તો એમ કર. એ પણ કંઈ ખોટું નથી." આ સાંભળી મારા મનમાં આનંદની છોડો ઊઠી હતી અને તરત મારી ભીની આંખે તેમને પગે લાગ્યો કે તેમણે કહ્યું, "આ તું સાચુ કહે છે કે મજાકમાં?" કહી તે મારી સામે એકીટશે જોઈ રહ્યા. મને તેમની આંખોમાં હવે સ્પષ્ટ ઇનકાર દેખાયો. જેની મને પહેલેથી ખાતરી હતી. આ વાત એટલી સરળ નથી. તેના શરીરમાં મારી હર્ષથી ભીની આંખો થકી આછી કંપારી મેં અનુભવી સાથે તેની આંખોએ રતાશ પકડી હતી. હવે ત્યાં ફક્ત અમો પાંચ જણ મોજૂદ હતા. હું મમ્મી, પપ્પા કાકા કાકી અને કાકાની નાની દીકરી શોભા. "હા પપ્પા, હું સાચે જ કહું છું. મારે ફિલ્મી હીરો થવા જવું છે." મમ્મીને હું પહેલેથી આ વાત કહેતો પણ એને ખ્યાલ ન રહ્યો કે હું પપ્પા સામે આવી રીતે વાત કરીશ. તે આ સાંભળી કંઈક અઘટિત થશે એવી આશંકાથી જોઈ રહી...