"શિવસ્તોત્રાવલિ" જ્ઞાન અને ભક્તિનો સર્વોચ્ચ સંયોગ છે. એક અદ્ભુત પ્રાર્થના છે. આ સ્તુતિ કાવ્ય હૃદયના ક્ષેત્રનો મામલો છે, જ્યાં શિવ અને શક્તિના પરસ્પર સામેના ધ્રુવના પૂરક ત્રિકોણનું મિલન છે એ અનાહત ચક્રનો મામલો છે. મહાયોગી શ્રી ઉત્પલદેવ જીવનમાં એક અંતરાલ દરમિયાન નિરંતર મસ્ત કે અવધૂત અવસ્થામાં જીવતા હતા. એમની સંભાળ રાખતા શિષ્યો એમને લઈને દલ સરોવરમાં શિખર અર્થાત શિકારામાં વિહાર કરતા. એવી મસ્તાના અર્થાત ભક્તિની પરાકાષ્ઠાની સ્થિતિમાં શ્રી ઉત્પલદેવના અંતરમાંથી શિવજીની જે સ્તુતિ સરતી રહેતી તેની શિષ્યો નોંધ કરતા. એમના દિવ્ય મુખમાંથી તત્ક્ષણ વૈખરી એવમ સંસ્કૃતમાં સરેલું એ સ્તુતિ કાવ્ય એટલે "શિવસ્તોત્રાવલિ". શૈવ તંત્રના જ્ઞાતા અને સિદ્ધ એવા શ્રી લક્ષ્મણ જૂ "શિવસ્તોત્રાવલિ"ને જ્ઞાન નહીં પરંતુ ભક્તિ માટેનું શાસ્ત્ર ગણતા હતા. "શિવસ્તોત્રાવલિ" અભ્યાસ કરવા અને વારંવાર વાંચન કરવા માટે છે. સાધનામાં જે નિયમ છે એ આના વાંચન કે મનન માટે પણ રાખવો. આ પ્રાર્થનામાં મસ્ત થવાનો ખંતપૂર્વક પરિશ્રમ કરવો. ગુજરાતીમાં પ્રથમવાર આ સ્તુતિ રજૂ થઈ રહી છે. આ મૂળ સંસ્કૃત કૃતિનો અનુવાદ માત્ર નથી, પરંતુ મહાયોગીઓ દ્વારા જે સમજૂતી અપાઈ છે તેનો ઉપયોગી રીતે ભાવાર્થ પણ અહીં રજૂ કરવામાં આવ્યો છે.