સમાજની સીમાઓ ક્રોસ કરતી ‘ક્રોસિંગ ગર્લ’ વેચાણની સીમાઓ પણ ક્રોસ કરશે?
રવિ વિરપરિયા સાથે તેમની નવલકથા ‘ક્રોસિંગ ગર્લ’ બાબતે ફોન પર વાત થઈ હતી. ત્યારબાદ તેમણે મને તે નવલકથા ભેટ તરીકે મોકલી આપી હતી. કુરિયરમાં પુસ્તક મળ્યું ત્યારે તેની દળદાર સાઇઝ જોઈને મને થયું કે, આ પાંચસો પાનાની નવલકથા મારાથી કેવી રીતે વંચાશે? પછી વિચાર્યું કે બે ત્રણ પ્રકરણ વાંચીને મઝા નહીં આવે તો મૂકી દઇશ. બે દિવસ પછી મે વાંચવાનું શરૂ કર્યું. હું રોજ નિયમિત લખતો હોવાથી મને વાંચવાનો સમય ઓછો મળે છે પણ હા, સારાં પુસ્તકો વાંચવા માટે સમય કાઢી લઉં છું.
આ પુસ્તક આખુ નહીં વાંચી શકાય તેવી મારી ધારણા ખોટી પડી. જેમ જેમ હું પુસ્તક વાંચતો ગયો તેમ તેમ તેના વાર્તારસમાં ડૂબતો ગયો. પાંચસો પેજનું પુસ્તક અઠવાડિયામાં વંચાઈ ગયું. યુવાન લેખક રવિ વિરપરિયાનું આ પહેલું પુસ્તક હોય, તેવું હું માની શકતો નથી. લેખકનો મને ખાસ પરિચય પણ નથી. આ પુસ્તકના માધ્યમથી હું તેમને જાણી શક્યો છું. તેમની નવલકથા ‘ક્રોસિંગ ગર્લ’ની વાર્તા વિશે નહીં પણ તેનાં કેટલાંક પાસાઓ વિશે હું થોડીક વાત કરવા માગું છું.
નવલકથાનું મહત્વનું ચાલકબળ તેની વાર્તા છે. જો વાર્તા રસપ્રદ ન હોય તો કોઈપણ વાચક ટકી શકતો નથી. ‘ક્રોસિંગ ગર્લ’ શીર્ષક કુતૂહલ ઉપજાવે તેવું છે. તેની આકર્ષક ટાઇટલ ડિઝાઇન પણ વાચકને આકર્ષે છે. નવલકથાના નામ ઉપરથી આ વાર્તાના કેન્દ્ર્સ્થાને કોઈ એક છોકરી હશે તેવું ફલિત થાય છે. જોકે આખી નવલકથાના સેન્ટરમાં ‘ક્રિશ્ના પટેલ’ નામનો ટીન એજર છોકરો છે. વાર્તાનો હીરો છોકરો હોય તો નવલકથાનું નામ ‘ક્રોસિંગ ગર્લ’ કેમ રાખ્યું હશે તે પ્રશ્ન મને થયો હતો. જોકે નવલકથામાં પોતપોતાના મોરચે સંઘર્ષ કરતાં અનેક મજબૂત સ્ત્રી પાત્રો જોવા મળે છે. આ દરેક પાત્રોની પોતાની એક સ્ટોરી છે.
મલ્ટીસ્ટારર ફિલ્મની જેમ તેમાં સ્ત્રી-પુરુષોનાં પાત્રોની ભરમાર છે. નવલકથાનાં દરેક પાત્રોનું નિરૂપણ સુપેરે થયેલું હોઇ, દરેક પાત્ર જીવંત લાગે છે. લેખક જ્યારે વિશાળ ફલક ઉપર અનેક પાત્રો સાથે નવલકથા લખતો હોય ત્યારે, તેના માથે પાત્રોનું ચરિત્રચિત્રણ કરવાની એક મોટી જવાબદારી આવી પડે છે. પાત્રનિરૂપણ યોગ્ય રીતે ન થયું હોય ત્યારે બધાં પાત્રો એક સરખાં લાગે છે. જેથી તેમાં વાચક ગૂંચવાઈ જાય છે. આ નવલકથામાં દસ જેટલાં સ્ત્રી પાત્રો અને તેર પુરુષ પાત્રો મળીને કૂલ ત્રેવીસ જેટલાં મુખ્ય પાત્રોનો મેળાવડો જોવા મળે છે.
સ્ત્રી પાત્રોમાં ગીતા, મીરા, હેપ્પી, એન્જલ, વાઈના મેમ, મધુમાસી, રોકસી મેમ, ઈશિતા, પારિજાત અને રોબોટ પાત્ર દેવી, પોતાની અલગ છાપ છોડી જાય છે, જ્યારે પુરુષ પાત્રોમાં ક્રિશ્ના, સાગર, વિસ્મય શાહ, ગોટી સર, મોડેલ સર, રાહુલ, દિનકર, ગગન મોદી, ગબ્બર ડોન, ટોપગન સર, ડો. ઓમપ્રકાશ, હરિદાસ બાપુ, અભિમન્યુ સિંગ વગેરેનું ચારિત્ર્ય વાચકને સ્પર્શી જાય છે.
અમેરિકાથી રાજકોટ આવતી ફલાઇટમાં ક્રિશ્ના રાજકોટ આવી રહ્યો છે. તે દૃશ્યથી ત્રીજા પુરુષમાં શરૂ થતી નવલકથા બીજા પ્રકરણથી કિશ્નાએ લખેલી ડાયરી સ્વરૂપે પ્રથમ પુરુષમાં આગળ વધે છે. છેક છેલ્લા પ્રકરણ સુધી વાર્તા પ્રથમ પુરુષમાં ચાલે છે. ક્રિશ્ના વાર્તાનો કથક છે.
નવલકથાના પાત્રોની જેમ તેમાં દર્શાવેલાં વિવિધ સ્થળોમાં મહાકાળી ટૂંક અને ડોલ્સ મ્યુઝિયમ સિવાયનાં સ્થળો કાલ્પનિક છે. આ કાલ્પનિક સ્થળોમાં કાકાની કીટલી, ફ્યુચર લેબ, ગ્રાન્ડ એફએમ પાર્ક, ફ્રીડમ બોક્સ, સર્જન બાગ, જલસા ક્લબ અને હ્યુમન લેબના પરિવેશનું વર્ણન એટલું સચોટ છે કે, નોવેલ વાંચ્યા પછી કોઈપણ વાચક રાજકોટમાં આ સ્થળો શોધવા જાય તો નવાઈ નહીં લાગે.
અવનવી અને અનોખી ઘટનાઓ આ નવલકથાનું હાર્દ છે. અઠ્ઠાણું પ્રકરણમાં કુલ છવ્વિસ જેટલી ઘટનાઓ અને પ્રસંગો વાચકને સતત દોડતો રાખે છે. આટલી બધી ઘટનાઓ હોવા છતાં તેનું નિરૂપણ એટલું સાહજિકતાથી કરવામાં આવ્યું છે કે, વાચકને તેનો ભાર અનુભવાતો નથી. સહજ રીતે આવતી ઘટના અને પ્રકરણનો અંત વાચકને આગળનું પ્રકરણ વાંચવા મજબૂર કરે છે.
આ ઘટનાઓમાં નીલી ભૂરી આંખોવાળી ‘એન્જલ’ની ક્રિશ્ના સાથેની પહેલી મુલાકાત, ગીતા અને ક્રિશ્નાની મસ્તીના પ્રસંગો, વાઈના મેમ સાથેનો લવ ટાસ્ક, મધુમાસીનો ભૂતકાળ, સાગર સાથેના પ્રસંગો, ગિરનાર સ્પર્ધાઓ, રાજકોટનો મેળો, સૂતરફેણી રંગલો અને ભૂચરમોરી નાટક, પુનાભાઈની ટબૂડી પેપ્સી, માધવપુર બીચની મધરાતની મહેફિલ, હેતલની સિંહ સાથેની દોસ્તી, પુનાભાઇનો ઇન્ટરવ્યુ, ગીતાનું ભાગવું, ધૂનામાં તરવાની ટ્રેનિંગ વગેરે વગેરે એક એકથી ચઢિયાતી ઘટનાઓ વાચકના મન ઉપર એક અસર છોડી જાય છે.
સ્ટોરી ટેલર તરીકે રવિ વિરપરિયા સફળ થયા છે. વાર્તાનો અનોખો કેન્સેપ્ટ તેનું જમાપાસું છે. આમ તો આ નવલકથા યુવા વર્ગને ધ્યાનમાં રાખીને લખાઈ છે, તેમ છતાં તે દરેક વર્ગના વાચકને ગમે તેવી છે. લેખકે ફક્ત કલ્પનાઓના ઘોડા જ નથી દોડાવ્યા પણ તેના વિષયનું ઊંડું સંશોધન કરીને તેને કલ્પનાના માધ્યમથી તર્કબદ્ધ આલેખન કર્યું છે.
નવલકથામાં રહેલી ભાષાકીય ભૂલો નિવારી શકાઈ હોત. ખાસ કરીને શબ્દોની જાતિ અને તેના પ્રત્યયની ભૂલો વધારે જોવા મળે છે. આ માટે કોઈ પ્રોફેશનલ પ્રૂફ રીડર પાસે પ્રૂફ ચેક કરાવવું જોઈએ. બીજું નવલકથાની લંબાઈ. એકજ ભાગ પાંચસો બાર પેજનો છે. બીજા બે ભાગ પણ આટલી જ લંબાઈના હશે. મહા નવલ હોય તો પણ આજનો વાચક તેની સાઇઝ જોઈને તેનાથી દૂર ભાગી શકે. જોકે વાર્તા અને શૈલી રસપ્રદ હોવાથી લંબાઇનો છેદ ઊડી જાય છે. તે સિવાય વાચક્ના મનમાં સ્ત્રીલક્ષી શીર્ષક ‘ક્રોસિંગ ગર્લ’ને લઈને અવઢવ રહે. માની લઈએ કે નવલકથામાં આવતી તમામ સ્ત્રીઓ ક્રોસિંગ ગર્લ છે. તો પછી શીર્ષક ‘ક્રોસિંગ ગર્લ્સ’ હોવું જોઈએ.
મારી દૃષ્ટિએ ‘રવિ વિરપરિયા’એ તેમની આ પ્રથમ નવલકથાથી સ્થાપિત લેખકોમાં તેમનું સ્થાન ઊભું કર્યું છે. આ નવલકથાનો અનુવાદ, અંગ્રેજી, હિન્દી અને ભારતની બીજી પ્રાદેશિક ભાષામાં થવો જોઈએ. હું માનું છું કે આપણી ગુજરાતી ભાષાની ઉત્તમ કૃતિઓ બીજી ભાષામાં જવી જોઈએ, જેનાથી ગુજરાતી ભાષા, તેની સંસ્કૃતિ અને તેની વાર્તાઓથી અન્ય પ્રાંત અને દેશના લોકો પરિચિત થશે.
દરેક ગુજરાતી વાચકને ‘ક્રોસિંગ ગર્લ’ વાંચવા માટેનો મારો આગ્રહ છે. ગુજરાતી વાચકોને આ નવલકથા આપવા માટે રવિ વિરપરિયાને અનેક અનેક શુભેચ્છાઓ. ભવિષ્યમાં તેઓ નોખા વિષયની અનોખી કથાઓ લઈને આવશે તેવી આશા રાખું છું.
-મનહર ઓઝા
લેખક
Date-05-04-2022
Mobile- 97123 88433
Crossing Girl – Part-1
લેખક – રવિ વિરપરિયા
પ્રકાશક – રવિ વિરપરિયા Mobile- 88666 09807 Email-rravivirr@gimal.com
કિંમત – 501-00 રૂપિયા