આ પુસ્તક અનોખું કેમ છે ? ડિસેમ્બર, ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધને આપણાં લશ્કરી દળોની ગૌરવગાથા તરીકે ઓળખાવવું તે જાણીતી વાતને દોહરાવ્યા બરાબર છે. વાતમાં જો કે વાસ્તવિકતા પણ છે. આથી ‘યુદ્ધ ’૭૧’ વાંચો ત્યારે આપણા શૂરવીર જવાનો પ્રત્યે હૃદયમાં ગૌરવનો છલકાટ તો સહેજે થવાનો, પણ ‘યુદ્ધ ’૭૧’ પુસ્તકની પોતાની ઓળખાણ તે ગાથાના વિસ્તૃત આલેખનથી આગળ વધીને જરા વિશેષ છે. આ પુસ્તક ભારતીય સૈન્યની ત્રણેય પાંખોએ ગોઠવેલી વિગ્રહની દાવપેચભરી વ્યૂહરચના, વિવિધ શસ્ત્રો વડે શત્રુ પર યુક્તિપૂર્વક કરાયેલા પ્રહારો અને ચક્રવ્યૂહ જેવી રણનીતિની ભીતરી ઝલક આપે છે. પડદા પાછળની વોરગેમમાં જટિલ પાસાંને પ્રવાહી શૈલીમાં ગૂંથી વાર્તાની જેમ વહેતાં રાખે છે. આ દષ્ટિએ ‘યુદ્ધ ’૭૧’ અનોખું પુસ્તક છે. ભારતના વીરોની ગૌરવગાથા ઉપરાંત વોરગેમના સિદ્ધાંતો ફરતે આકાર લેતી થ્રિલરકથા પણ છે.