આ પુસ્તક મેં ખૂબ જ લાગણી, પ્રેમ અને કોઈનાં પ્રેમમાં લપસીને લખ્યું છે! આ કથામાં પરિસ્થિતિઓ કંઈક દૂર, થોડેક દૂરનાં ભવિષ્યની છે. એટલે ભવિષ્યની પરિસ્થિતિઓ પણ સ્વાભાવિક થોડીક આધુનિક તો છે જ, તો સાથે સાથે થોડીક વિકટ પણ છે! આ વિકટ પરિસ્થિતિઓનાં થોડાંક વિકટ કપટ પણ છે! પણ એ પરિસ્થિતિઓનાં કપટ દરમિયાન શહેર અને ગામડામાં ધબકતાં નાજુક બે હૃદયની કંઈ થોડીક વ્યથા પણ છે! તો સાથે સાથે વ્યથિત મનની કંઈ થોડીક નાજુક પીડા પણ છે! તો આમ પીડા, વ્યથા અને થોડીક ખુશીઓ સાથે પાંગરતા એ પવિત્ર પ્રેમમાં ક્યારેય મિલન છે! તો ક્યારેક થોડીક જુદાઈ પણ છે! પણ જુદાઈ અને મિલનની આ પરિસ્થિતિમાં ભવિષ્યને લઈને ઘણાં બધાં સપનાંઓ પણ છે! તો એ સુંદર સપનાંઓ ભવિષ્યનાં ગર્ભમાં કેવાં આકાર લેશે? એ જાણવા માટે આપને અહીંથી દૂર 3030 સુધી પહોંચવું પડશે. તો ચાલો, આપણે સાથે સાથે એ ભવિષ્યના પ્રવાસ પર નીકળી પડીએ. પણ આ પ્રવાસ થોડોક દુર્ગમ અને દુર્લભ પણ છે! એટલે પ્રવાસ દરમિયાન શબ્દોની કેડીએ કેડીએ વિચરણ કરતાં કરતાં પેલાં એક 'કદાચ' નામનાં શબ્દને ભૂલી ના જતાં! તેને પણ સાથે સાથે લઇને તેની અદૃશ્ય આંગળી પકડીને જ રાખજો.