સાત પગલાં આકાશમાં એ ગુજરાતી સાહિત્યકાર કુન્દનિકા કાપડિયાની સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની નાજુક સમસ્યાઓના સંદર્ભે નારીજીવનની વ્યથાઓને નિરુપતી નવલકથા છે. સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. આ નવલકથા વાંચકોમાં લોકપ્રિય નીવડેલ છે.
***
"1982ના જુલાઈથી શરૂ થઈ 40 અઠવાડિયાં સુધી આ નવલકથા ધારાવાહી રૂપે ‘જન્મભૂમિ-પ્રવાસી’ની રવિવારીય આવૃત્તિમાં પ્રગટ થઈ હતી. મોટાભાગની સત્ય ઘટનાઓ પર આધારિત આ સામાજિક નવલકથાએ ત્યારથી જ સાહિત્ય અને સમાજમાં સારી એવી હલચલ મચાવી દીધી હતી. આ નવલકથાનાં સ્ત્રીપાત્રોએ, ખાસ કરીને નાયિકા વસુધાએ નારીવાદી વલણો પ્રભાવક રીતે વ્યક્ત કર્યાં છે. ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વલણોનો આરંભ કુન્દનિકાબહેનથી થયો તેમ મનાય છે." - શ્રદ્ધા ત્રિવેદી