કે.જી.એફ મતલબ કોલાર ગોલ્ડ ફીલ્ડ. અથવા ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલી કોલાર નામની ખાણ કે જ્યાં વિપુલ માત્રામાં સોનું મળી આવતું હતું. હા, હજુ સોનું તો ધરબાયેલું છે પણ ખાણકામ વીસેક વર્ષથી બંધ છે.
માનવસંસ્કૃતિનો ઇતિહાસ રહ્યો છે કે જ્યાં સરળતાથી મબલખ લાભ મળતો હોય ત્યાં સૌ આકર્ષાય, લલચાય, દાદાગીરી કરે, શોષણ કરે વગેરે...
આ કોલારની સોનાની ખાણ સાથે પણ એવી અમુક ઘટનાઓ સંકળાયેલી છે. જેના પર માત્ર જરાક અધારિત પરંતુ કાલ્પનિક કન્નડ ફિલ્મ કે.જી.એફ નામથી વર્ષ ૨૦૧૮માં આવી હતી. જે અન્ય ભાષાઓમાં પણ રીલીઝ થઈ હતી. જેમાં એંગ્રી યંગમેન રોકી નામનું પાત્ર ભજવીને કન્નડ સ્ટાર "યશ" આખા દેશમાં પ્રસિદ્ધ થઈ ગયો હતો.
હવે તેનો બીજો ભાગ કે.જી.એફ ચેપ્ટર-૨ તરીકે વાર્તા આગળ વધારવા હાજર છે. જેના વિશે કંઈક અલગ અંદાજમાં જાણો.
-:શાન:-
સૌથી મોટું તત્ત્વ હીરોની શાન ગણી શકાય. ફિલ્મની વાર્તાને ન્યાય આપતા અભિનય બદલ યશને સંપૂર્ણ જશ આપવો પડે. પોતાનુ આગવી અદાથી પ્રથમ ચેપ્ટરમાં છાપ છોડનાર આ હીરોએ હવે બીજા ચેપ્ટરમાં પોતાના અંદાજમાં એક સ્તર આગળ વધીને પ્રેક્ષકોને ખુશ કર્યાં છે.
-:ભાન:-
હીરો માત્ર શાનમાં નથી રહેતો, આગવી ભાનમાં પણ રહે છે. હીરોના મનમાં ચાલતી ગણતરી અંગે અન્ય પાત્રો સતત અવઢવમાં રહે, તે રસપ્રદ છે. જે પ્રેક્ષકોને મજા કરાવે છે.
-:જાન:-
હીરોની જાન, મતલબ હીરોઇન છે ખરી પણ પરાણે ફૂટેજ આપ્યા હોય તેમ જણાશે. હા, સતત લાઉડ મ્યુઝિક સાથે ધડાધડ એક્શન દર્શાવતી ફિલ્મમાં ઇન્ટરવલ બાદ હીરોઇન સાથેનું એક ગીત પ્રેક્ષકોના મનને જરા રાહત પહોંચાડવા રાખ્યું હોય તેમ જણાય છે. જે દરમ્યાન તમે હીરોઇનની જરા નોંધ લેશો. બાકી રોકીભાઈ જ છવાયેલા રહે છે. હીરોની બીજી પણ જાન છે. ના, હીરોઈન નહીં - એક અલગ લક્ષ્ય. કે જે જણાવાયું પણ છે અને છૂપાવાયું પણ છે. ચેપ્ટર-૩ અંગે પ્રેક્ષકો વિચારતા રહે તે માટે.
-:વિલન:-
સંજય દત્તે અધિરા નામના પાત્રમાં સ્ટાઇલ, ડાયલોગ, ખંધાપણું વગેરે સચોટ રીતે રજૂ કરીને હીરોના ભવ્યપણાને શોભે તેવી ટક્કર આપી છે. જેનાથી ફિલ્મના સ્તરને ઊંચાઈ મળી છે.
-:પ્રધાનમંત્રી:-
રવિના ટંડન ફિલ્મમાં પ્રધાનમંત્રીના રૂપમાં છે. જે પ્રધાનમંત્રી કરતાં રાજકારણી વધુ જણાશે. પાત્રની માગ મુજબનો અભિનય છે. આ પાત્ર હીરો માટે વિલન જણાશે. જોકે હીરો તેને જરાય ગાંઠતો નથી.
-:કોમેડી:-
ના, ફિલ્મમાં ખાસ કોમેડી નથી પણ અમુક સીનમાં રહેલી ખામીના કારણે હસવું આવશે. જેમ કે, રવિના ટંડનના જાહેરમાં ભાષણ અંગેના સીનમાં શ્રોતાઓની સંખ્યા કોમ્પ્યૂટરથી વધારી તો ખરી, પણ યાર લગભગ તમામ સફેદ કપડામાં?
-:મહા તફાવત:-
પ્રથમ ચેપ્ટરમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક કર્ણપ્રિય હતું. એક ઠહેરાવ સાથેની પેલી "નન્ના રી ના રે ના રો રા....." વાળી ધૂન આગવું આભામંડળ રચતી હતી. અહીં એ ધૂન સાંભળવા ઘણી રાહ જોવી પડશે. આવશે પણ અલપઝલપ. ખાસ તો ચેપ્ટર-૨ માં વધુ પડતું લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણી જગ્યાએ મજા કરાવશે. થિયેટરમાં પ્રેક્ષકો ચીસાચીસ સાથે આનંદ પણ વ્યક્ત કરતા જણાયાં પણ લાઉડ મ્યુઝિકનો અતિરેક ક્યારેક માથું પકવી દેશે. જોકે કોઈ તે અંગે ફિલ્મ બાદ પણ ઝડપથી ફરિયાદ નહીં કરે. શા માટે? તેનો જવાબ આગળના લખાણમાં મળી જશે.
-:શેડ:-
પ્રથમ ભાગ ડાર્કશેડમાં હતો પરંતુ સંપૂર્ણપણે નહીં. જ્યારે આ બીજો ભાગ સંપૂર્ણની અત્યંત નજીક સુધી ડાર્કશેડમાં છે. મતલબ ખુલ્લુ, ચોખ્ખું, ઉજાસવાળું આકાશ સમાન સીન જોવાની રાહ પણ ના જોતા. છે જ નહીં. દરેક ફ્રેમ ડાર્ક રાખી છે. આમ તો ડાર્કશેડ આ પ્રકારની ફિલ્મની એક્શન અને હીરો તથા વિલનના પ્રભાવને વધુ જલદ બનાવે. બનાવેલ પણ છે, છતાં સતત ડાર્કશેડથી જરા કંટાળો પણ આવ્યો મને. અમુક સીન ઉજાસમાં હોત તો વધુ મજા આવત. એક સીન છે જેમાં હીરો ધોળાદિવસે દરિયાકિનારે હીરોઇન સાથે ઊભો છે. છતાં અહીં પણ ડાર્કશેડ! જે મને જરા ખૂંચ્યું.
-:કપડે કી દુકાન:-
હીરો યશ વિવિધ કપડામાં આગવી સ્ટાઇલ સાથે ડેશીંગ લાગે છે. જેનો ફિલ્મમાં તેની એન્ટ્રિ માટે ઉપયોગ તો થયો છે, પણ હદ બહારનો. હા, તમે ગણીગણીને થાકી જશો પણ હીરોની એન્ટ્રિઓ ખતમ જ નહીં થાય. એક વખત તો એવો વિચાર આવશે જ કે બસ, ગાર્મેન્ટ કંપનીનું નામ ફ્લેશ થશે હવે.
-:ગળે ના ઊતર્યું:-
હીરોએ ઊભી કરેલી દુનિયા વિશે લાંબા સમય સુધી સરકારને માહિતી ના મળે એ માનવામાં આવે તેમ નથી. હીરોએ વિકસાવેલ વિસ્તારનું કદ જોતાં જ આ ભૂલ સમજાશે.
-:ગતકડું:-
એક કારચેઝ સિકવન્સમાં સ્ક્રિન બ્લેકઆઉટ અને અવાજ બંધ કરવાથી એક ઇફેક્ટ જરૂરથી આવે, પણ અહીં તેનો અતિરેક કરીને દીમાગનું દહીં કરી નાંખ્યું. આખા એક સરસ એક્શન સીનને અણઘડ રીતે વેતરી નાંખ્યો.
-:એડિટીંગ:-
પોણા ત્રણ કલાકમાં ફિલ્મ વાજબી રીતે સમેટી છે. જોકે અમુક જગ્યાએ એડિટીંગનું સ્તર મને પસંદ ના આવ્યું. બે સીન વચ્ચેનું સંકલન મતલબ જોડાણ જળવાયું નથી. જે અંગે ફરિયાદ નથી. કારણ કે, પુષ્કળ સીન ધરાવતી લાંબી ફિલ્મને મનોરંજક રીતે પ્રેક્ષકો સમક્ષ સમયમર્યાદામાં રજૂ કરવામાં યુવા એડીટર ઉજ્જ્વલ કુલકર્ણી સફળ રહ્યો છે. હા, તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની છે. કોઈ ફિલ્મ વિશે બનાવેલ તેનો વીડિયો યુ-ટ્યૂબ પર ડિરેક્ટર જોયો અને એડિટીંગ કળાથી ખુશ થઈને આ ફિલ્મના ટ્રેલરનું કામ સોંપ્યું. ટ્રેલર હીટ થયું અને આખી ફિલ્મ એડિટ કરવાની જવાબદારી મળી. જેમાં ભાઈ સફળ રહ્યા. હા, ઉપર જણાવ્યું તે ગતકડું પણ કદાચ તેનો જ નિજાનંદ હોઈ શકે.
-:હૂક:-
ફિલ્મ પૂર્ણ થતાં જ જો તુરંત હોલ છોડી દીધો હોય, મતલબ પૂરું ક્રેડીટ સ્ક્રોલિંગ જોયું જ નહીં હોય તો હૂકનો આનંદ ગુમાવ્યો ગણાશે. જોકે તે હવે રહસ્ય નથી રહ્યું એટલે જણાવી દઉં કે ક્રેડીટ સ્ક્રોલિંગ દરમ્યાન જે સહેજ સીન દર્શાવાય છે તેમાં ફિલ્મનો વધુ એક ભાગ "ચેપ્ટર-૩" આવશે તેના વિશે ઇશારો હતો.
-:ચાલો રેપીડ ફાયર સ્વરૂપે ખાસ માહિતી સટાસટ મેળવી લો.:-
:કેવી છે ફિલ્મ? હીટ કે ફ્લોપ?
- અરે, બ્લોક બસ્ટર.
:ઐતિહાસિક?
- ના, ભવ્ય અને લાઉડ ખરી. જોરદાર એક્શન ફિલ્મ ખરી. મનોરંજક પણ ખરી, પણ જરા ઓવરરેટેડ. જે ઘણાંને હાલ કમાણીના આંકડા જોઈને નહીં સમજાય. પાંચેક વર્ષ બાદ સમજાશે.
:ઓવરરેટેડ? કેમ? આવું તો કોઈ કહેતું નથી! સૌ વખાણ કરે છે, એવું કેમ?
- આ ફિલ્મને સમયનો જોરદાર સાથ મળ્યો છે. "પૂષ્પા - ધ રાઇઝ" અને "આર.આર.આર" ની સળંગ બે ભવ્ય સફળતા બાદ આખા દેશમાં સાઉથની ફિલ્મો પ્રત્યેનો મોહ અને માનમાં વધારો થયો જ હતો અને તુરંત આ ફિલ્મ રીલીઝ થઈ. વધુમાં બોલીવુડની કોઈ ભવ્ય કે હાઇપ ધરાવતી ફિલ્મ હાજરસ્ટોકમાં નથી. આથી સ્પર્ધા જ નથી. પ્રક્ષકો પેલી બંને ફિલ્મોથી સંતુષ્ટ અને આનંદિત થયેલા હતાં અને જાણે વધુ એક ભેટ મળી છે. જેનાથી પૈસા સંપૂર્ણ વસૂલની છૂપી મનોસ્થિતિ ફિલ્મના નબળા પાસા તરફ અજાણપણે જ સહજ અને જરીક નારાજગી પણ બહાર આવવા નથી દઈ રહી. ધારો કે, ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં ૧૪ રનની જરૂર હોય, એક જ વિકેટ હાથમાં હોય અને બેટર (જૂનો શબ્દ "બેટ્સમેન") પ્રથમ બે બોલમાં સિક્સ મારે છે. હવે ચાર બોલમાં માત્ર બે રન કરવાના છે. બેટર જોખમી શોટ રમે છે, બોલનો ફૂવારો બની જાય છે પણ સદનસીબે બાઉન્ડ્રિ નજીક નો-મેન્સ લેન્ડમાં ટપ્પો પડે છે. ચાર રન મળે છે. મેચ જીતી જવાય છે. અહીં ત્રીજા શોટમાં રહેલી ઊણપ, જોખમ, બેદરકારી વગેરે જીતથી મળેલી ખુશીમાં દબાઈ જશે.
:સ્પષ્ટ કહો, જોવાય કે ના જોવાય?
- એક વખત તો જોવાય જ. થિયેટરમાં જઈને જોવાય જ. છોડાય જ નહીં. એક્શન, અભિનય, રસપ્રદ વાર્તા(જકડી રાખવામાં સહેજ ચૂકી છે), યશનો અભિનય, એક્શન સીનની વિવિધતા, હીરોએ ઊભી કરેલી મજાની કાલ્પનિક દુનિયા, મોટા પડદા પર ધૂમધડાકા વાળી એક્શન ફિલ્મનો આનંદ વગેરેના કારણે પૈસા વસૂલ ફિલ્મ છે જ. બસ, બીજી વખત પૈસા ખર્ચીને થિયેટર સુધી જવાની ઇચ્છા લગભગ નહીં થાય. કારણ કે પેલું ક્યારેક ભેજાદુખણ બનતું લાઉડ મ્યુઝિક તમને રોકશે.
-:બોનસ:-
અગાઉ જણાવ્યું તેમ ડાર્કશેડ અને લાઉડ મ્યુઝિક ભવિષ્યમાં ટી.વી પર ફિલ્મ જોતી વખતે (એમેઝોન પ્રાઇમ પર) થોડો ઓછો હેરાન કરે તેવી શક્યતા છે. લાઉડ મ્યુઝિક હેરાન નહીં કરે કારણ કે, અવાજ તમે કંટ્રોલ કરી શકશો. ખાસ કરીને સ્માર્ટ ટી.વીમાં. કારણ કે, ત્યાં તમે ઓડીયોનું ખાસ સેટીંગ કરી શકો છો કે જે અચાનક વધી જતાં મ્યુઝિકના સ્તરને મીલી સેકન્ડસમાં નિયંત્રિત કરી શકશો. ડાર્ક શેડ ઓછો હેરાન કરશે કારણ કે તમે ડીજીટલ અને હાઇ ડેફિનીશન વીડિયો ક્વોલીટી માણશો. જે અંગે થિયેટરમાં એક મર્યાદા છે. થિયેટરમાં બે પ્રકારના પ્રોજેક્ટર હોય છે. એક પરંપરાગત અને બીજું ડિજીટલ. હવે મોટાભાગનાં થિયેટર ડીજીટલ પ્રોજેક્શન ધરાવે તો છે છતાં પડદા પર દૃશ્ય અત્યંત સ્પષ્ટ કે સુરેખ ના દેખાય અને બ્રાઇટનેસ પણ ઓછી જણાય તો મજા ઓછી આવે. (ના, 3D ફિલ્મની વાત નથી કરતો. એના વિશે ફરી ક્યારેક) જેના કારણોમાં ઘણાં વિકલ્પો હોઈ શકે. જેમકે: ડિજીટલ પ્રિન્ટ ન હોય, ડિજીટલ પ્રોજેક્ટર ખામી વાળું હોય, પ્રોજેક્ટરનું યોગ્ય સેટીંગ ના કર્યું હોય વગેરે... જે ડાર્કશેડ ધરાવતી ફિલ્મને વધુ ડાર્ક બનાવશે. મારી સાથે એવું જ થયું છે. આપ પણ ફિલ્મ જોવા જાવ ત્યારે ચેક કરજો. ખબર છે કઈ રીતે? સરળ છે. સ્ક્રિનના ચારેય ખૂણા ધ્યાનથી જોઈ લેજો. જો ચારેય ખૂણા પર દૃશ્ય આખી સ્ક્રિન જેવું જ ક્રિસ્ટલ ક્લિયર હોય તો સમજવું કે ડિજીટલ પ્રિન્ટ છે અને પ્રોજેક્ટર પણ વ્યવસ્થિત છે. જો ખૂણા પર દૃશ્ય બ્લર કે ડાર્ક જણાય તો તમારા પૈસા વસૂલ નથી થયા. મતલબ ખૂણાની અણિ ધારદાર જણાવવી જોઈએ. શા માટે ચેક કરવું જોઈએ? કારણ કે, ફિલ્મની ટિકિટ પર કે હોલમાં પણ ક્યાંય ફિલ્મ પ્રોજેક્શનની ગુણવત્તા વિશે કોઈ ઉલ્લેખ નથી હોતો. તો, ફિલ્મ જોઈને મને જણાવજો હોં...
કે.જી.એફ મતલબ કોલાર ગોલ્ડ ફીલ્ડ. અથવા ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલી કોલાર નામની ખાણ કે જ્યાં વિપુલ માત્રામાં સોનું મળી આવતું હતું. હા, હજુ સોનું તો ધરબાયેલું છે પણ ખાણકામ વીસેક વર્ષથી બંધ છે.
માનવસંસ્કૃતિનો ઇતિહાસ રહ્યો છે કે...Read more