“જસ્ટ બે મિનિટ” એટલે ટચુકડી પણ વિચારોના, સંવેદનાઓના, સંભાવનાઓના મધપુડાને છંછેડતી, ડૉ. રંજન જોષી જેવી બહુમુખી પ્રતિભા દ્વારા લખાયેલ વાર્તાઓનો સમૂહ. કશું જ કહ્યા વિના ઘણું બધું કહી જતી આ ટચુકડી વાર્તા બસની રાહ જોતાં જોતાં કે ચા કોફી પીતાં પીતાં માત્ર બે મિનિટમાં વંચાઈ તો જાય છે પરંતુ બે દિવસ કે બે અઠવાડિયા સુધી વિસરાતી નથી. સાવ સીધા સાદા શબ્દો અને સંબંધો વચ્ચે શરૂ થતી અમુક વાર્તાઓનું અંતિમ વાક્ય તમને ફરીથી પહેલા વાક્યને વાંચવા કે આખી વાર્તાને ફરીથી વાંચવા મજબુર કરી દે એવું બને. એક પણ બિનજરૂરી શબ્દ કે ક્રિયા-પ્રક્રિયા વગરની આ ટચુકડી વાર્તાઓના અંત તમને પજવશે પણ ખરા, ચોંકાવશે પણ ખરા અને કદાચ તમને અનેક અંત વિચારવા પ્રેરશે પણ ખરા. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત એમ સાહિત્યના નવરસની સાથે સાથે આ વાર્તાઓમાં જીવનના ખાટા, મીઠા, કડવા, તુરા, ખારા, તીખા અનુભવોનું ગુંફન છે. થોડામાં ઘણું કહી જતી આ વાર્તાઓ વાચકોને આનંદની સાથે નવું વિચાર ભાથું પણ આપશે એની મને ખાતરી છે. - કમલેશ જોષી