આરોહી અને પિનાકિન કેનેડા રહેતા હતા, પણ બંનેનું મૂળ વતન તો ભારત જ! આરોહી વ્યવસાયે કાઉન્સિલર પણ કર્મની કઠણાઈ કહો કે તેના નસીબ, દુનિયાને માનસિક રીતે સ્વસ્થ કરતી વ્યક્તિને ડિપ્રેશન નામની બીમારી હેરાન કરી રહી હતી. મોટા ભાગે ડિપ્રેશનની વ્યક્તિઓ એક ઝાટકે જીવનને અલવિદા કહી દે છે અને આરોહીએ પણ પ્રયાસ ક્યાં નહોતો કર્યો? તેણે પણ એ પ્રયત્ન કર્યો હતો. આરોહી જ્યારે કાઉન્સિલિંગ માટે જાય છે ત્યારે એને એની સખી પાયલ મળે છે. જો આરોહી ભારતમાં રહી હોત તો એ કદાચ ક્લાસ-૧ અધિકારી હોત પણ જોગાનુજોગે તેની દોસ્ત પાયલ અધિકારીની ફરજ નિભાવે છે. એનો પતિ વત્સલ સાહિત્ય રસિક અને વ્યવસાયે આર્કીટેક્ટ છે. પાયલ પણ સાહિત્ય રસિક, તે પણ ઘણાંય કવિ સંમેલનમાં ગઈ હતી. ઈન ફેક્ટ કવિઓને સાંભળવા એ એનો શોખ હતો. તેઓની પ્રથમ મુલાકાત એક કવિ સંમેલનમાં થઈ હતી અને પછી એમના પ્રેમનું ઇન્દ્રધનુષ રચાયું. વત્સલ અને પાયલ બંનેના શોખ સરખા હતા. બંને આર્થિક રીતે સદ્ધર હતા અને તેમ છતાં વત્સલ પણ એક દિવસ ડિપ્રેશનના ભરડામાં આવી ગયો. ત્યારે એમ થાય છે કે આ ડિપ્રેશન નામનો માનવીય શત્રુ ન તો વ્યવસાયને મોહતાજ છે કે ન તો શોખને. એને તમારા સુખી હોવાથી કોઈ નિસ્બત નથી હોતી. આરોહીનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે એની પાસે એવું પાત્ર હાજર હતું જે એને દરેક માનસિક યાતના વખતે સંભાળી શકે, એને સાથ આપી શકે અને એ પાત્ર હતું એનો હમસફર, એનો પ્રેમી અને એના વિચારોનો આશિક! નામ એનું પિનાકિન! ડિપ્રેશન સામે જીતી શકાય છે જો તમને સમજી શકે, સંભાળી શકે એવી વ્યક્તિ મળે તો! ડિપ્રેશનની સારવાર અર્થે તેઓ ભારત આવ્યા અને એટલું પૂરતું ન હોવાથી એણે કેનેડાથી કાઉન્સિલિંગ સેશન લીધાં અને પછી એણે એ તમામને જીવવાની પ્રેરણા આપવાનું શરૂ કર્યું જેઓ ડિપ્રેશન સામે લડી રહ્યા હતા. *** “ડિપ્રેશન” શબ્દ સાંભળતા જ આપણાં ચહેરાના હાવભાવ બદલાઈ જતા હોય છે અને એ વ્યક્તિ પ્રત્યેનુ આપણું વર્તન પણ! આપણે ઘણું બધું મનમાં દબાવી રાખીને હતાશા કે ડિપ્રેશન જેવી માનસિક બીમારીને ઇજન આપીએ છીએ. જ્યારે આપણે આપણું કોઈ સ્વજન ડિપ્રેશનના કારણે ગુમાવી દઈએ છીએ ત્યારે આવે છે આપણાં ભાગમાં નર્યો અફસોસ. હતાશા અનુભવાતી હોય તો એમાં કાઉન્સિલર પાસે જવું એમાં કશું જ ખોટું નથી એ વાત પહેલા આપણે સ્વીકારવી પડશે. હતાશ થવું અને પછી કાઉન્સિલરની મદદ લેવી એ પાગલ હોવાની નિશાની નથી જ! હતાશામાંથી પસાર થઈ રહેલી વ્યક્તિને આપણે એને એમ જ અલગ ન રહેવા દઈએ, કારણ કે એ વખતે એ એટલું વિચારી જ નથી શકતા કે શું કરવું અને શું ન કરવું અને ક્યારેક આપણું અયોગ્ય વહેવાર કે વર્તન એને અનિચ્છનીય પગલાં લેવા પ્રેરે છે. જે હતાશ છે અને આપણે તેને જાણી લઈએ છીએ તો પછી એ વ્યક્તિની સાથે રહેવું ખૂબ જરૂરી બની જાય છે. આ નવલકથા લખવાનો મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે એક મનોવિજ્ઞાનની વિદ્યાર્થી હોવા છતાં જો હું કલમ દ્વારા આ વિષય પર જાગૃતતા લાવવાની કોશિશ ન કરું તો મને એક સજાગ નાગરિક તરીકે રંજ રહી જાય. આ નવલકથા ડિપ્રેશન સામે બાથ ભીડી રહ્યા છે તેમનામાં હામ ભરવાનો એક નાનો પ્રયાસ છે. આ નવલકથા વાંચ્યા પછી જો કોઈ એકનું જીવન બચી જશે અને જો સમાજનો અભિગમ ડિપ્રેશન માટેનો બદલાશે તો એ જ મારી સફળતા અને સાર્થકતા!