‘મિલન - એક પ્રેમકથા’મારી બીજી નવલકથા છે. મિલનની પૃષ્ઠભૂમિ તરીકે મેં કેવડિયા કોલોની (હાલનું એકતાનગર) પસંદ કર્યું છે, જ્યાં મારી મુગ્ધાવસ્થાના દિવસો વીત્યા હતા. મિત્રો સાથે વિતાવેલા એ યાદગાર દિવસો હતા એટલે આ નવલકથાનાં પાત્રોને મારા મિત્રોના નામ આપ્યા છે. દરેક જણને મુગ્ધાવસ્થામાં પ્રેમ ન થયો હોય એવું બની શકે, પણ કોઈ વિજાતીય પાત્ર તો જરૂર ગમ્યું જ હશે. જો તમે એ વીતેલી ક્ષણોને ફરીથી માણવા અને તમારા પ્રિયપાત્રને યાદ કરવા માંગતા હોવ તો આ પ્રેમકથા જરૂર વાંચજો. નાયક અને નાયિકા સ્કુલમાં સાથે ભણતા હોય છે. કોલેજમાં બંને વચ્ચે પ્રેમ થાય છે. એક દિવસ નાયિકાના પપ્પાને એમના પ્રેમ વિશે ખબર પડી જાય છે. બંનેની જાતિ અલગ હોવાને લીધે નાયિકાના પપ્પા એમના પ્રેમલગ્ન માટે રાજી નથી થતા અને એમની જાતિના એક છોકરા સાથે નાયિકાના લગ્ન નકકી કરી દે છે. તેથી અંતિમ મુલાકાત કરી બંને પ્રેમીઓ છુટા પડે છે. એ પછી એમનું મિલન કેવી રીતે થાય છે? એ જાણવા માટે આ નવલકથા જરૂર વાંચજો. આશા છે આ નવલકથા આપને પસંદ પડશે. આ નવલકથાનું એક જોડિયું પુસ્તક પણ હું લખી રહ્યો છું. એ છે મિલનના મુખ્ય પાત્ર અનિલે અનિષાને લખેલા પ્રેમપત્રો. અનિષાએ શરૂઆતમાં અનિલના પ્રેમનો સ્વીકાર કર્યો ન હતો. તેથી એણે ડાયરીમાં અનિષાને પ્રેમપત્રો લખ્યા હતા. પણ ક્યારેય એણે અનિષાને એ પત્રો આપ્યા ન હતા. તેથી એ પુસ્તકનું નામ છે, “સરનામાં વગરના પ્રેમપત્રો.”