રાજકારણ બંધ બારણે થાય છે. જ્યારે ક્રાંતિ જાહેરમાં થાય છે. ક્રાંતિ એ આજ કાલ કે નજીકના સમયમાં બનેલી ઘટનાઓની પેદાશ નથી. વર્ષો પહેલા એના બીજ રોપાય છે અને વર્ષો બાદ એ ફૂલે છે ફાલે છે. ભ્રષ્ટાચાર, બેકારી, ગરીબી આવા સળગતા પ્રશ્નો ઉપરાંત કમર તોડ ભાવ વધારો. પ્રજા થાકી ગઈ હતી. સહનશીલતાની પણ હદ આવી ગઈ હતી. વિચારો આવતા, હૃદયના કિનારા સુધી આવીને જેહાદની આગ અટકી જતી. નબળા અને સરમુખત્યાર પ્રશાસન લોકતંત્રની વ્યાખ્યા ભૂલી ગયું હતું. For the people, by the people, of the people ફક્ત પુસ્તકમાં જ રહ્યું હતું. ન્યાયતંત્ર સરકારના ઇશારા ઉપર નાચતું હતું. લોકતંત્રની ત્રીજી આંખ કહેવાતું મીડિયા સરકારની ગુલામી કરતું હતું. ઈચ્છાથી નહિ પરંતુ લાચાર હતું. વિકાસ ફક્ત કાગળ ઉપર અને સરકારી અમલદારોનો હતો. મધ્યમવર્ગનું શોષણ થતું હતું. ગરીબ વધુ ગરીબ બનતો જતો હતો. અમિર વધુ અમિર બનતો જતો હતો. સામાન્ય નાગરિકના અવાજને સામ, દામ, દંડ, ભેદ કોઈપણ નીતિનો ઉપયોગ કરીને દબાવી દેવામાં આવતો હતો. પ્રજાને દોડવું હતું અને ઢાળ મળ્યો. એક પત્રકારના રેપ એન્ડ મર્ડરથી શરૂ થાય છે એક જેહાદ. 'બસ હવે નહિ...' - આ વિચારને લઈને ઉદભવે છે એક વૈચારિક ક્રાંતિ. અને શરૂ થાય છે 'હલ્લા બોલ.' લોકોએ સરકાર સામે બાયો ચઢાવી. લોકતંત્રના જાહેરમાં વસ્ત્રાહરણ કરતાં રાજનેતાઓ સામે એક સાથે એક અવાજ થયો. એના પડઘા આકાશને ધ્રુજાવી રહ્યાં. સરકાર સ્તબ્ધ થઈ ગઈ. કોઈપણ નેતા વગર, કોઈ પણ દોરી સંચાર વગર ક્રાંતિની એ ચિનગારી આગમાં ફેરવાઈ ગઈ. ક્યાંક રાજકીય દાવપેચ થાય છે, ક્યાંક કોઈ ખૂણામાં મધુર પ્યારનું પુષ્પ પાંગરી રહ્યું છે. ક્યાંક કોઈ બનતી ઘટનાને ઢાંકવાની કોશિશ કરે છે તો ક્યાંક કોઈ એ ઘટનાને ખુલ્લી પાડે છે. અને અંતે એક નવી સવાર થાય છે જેમાં સૂર્યના કિરણો સાચા અર્થમાં લોકતંત્રની વ્યાખ્યા સાર્થક કરવાની આશાને લઈને ધરતીને ચૂમે છે.