વ્હોટ્સઅપ જેવા માધ્યમ પર ચાર વર્ષ પહેલાં નવરાત્રીમાં અનેક વાચકોએ મારી પહેલી લઘુનવલ ‘દાંડિયાની જોડ’ વાંચી અને એક અનોખા પ્રયોગને ખૂબ જ વખાણ્યો. નવરાત્રીની લઘુનવલની ખાસીયત એ રહેતી કે પહેલા નોરતે શરૂ થાય અને છેલ્લા નોરતે પૂર્ણ થાય. નવરાત્રીના ગરબાની રમઝટ સાથે રોજ એક ભાગ વાંચવા મળતો. બીજા દિવસે કથામાં કેવા રોમાંચક વળાંકો આવશે તે જાણવા અને વાંચવા ઘણાં લોકો આતુરતાથી રાહ જોતા હતા. પ્રથમ લઘુનવલનો પ્રયોગ સફળ રહ્યો.
ત્યાર પછી વાચકો રીતસરની ઉઘરાણી જ કરતા કે આ વર્ષે નવી કઇ કથા લાવો છો? એમ દર વર્ષે એક નવી કથા લખાતી ગઇ અને છેલ્લા ચાર વર્ષોમાં નવ ભાગની ચાર લઘુનવલો લખાઇ ગઇ. પ્રેમકથા, પ્રેતકથા, તાંત્રિકવિદ્યા અને પુનર્જન્મ, એમ જુદા જુદા વિષયો પર કથા રચાઈ છે. આ ચારેય લઘુનવલો આપને એકસાથે એક જ પુસ્તકમાં વાંચવા મળી રહી છે.